શ્રીલંકામાં ચર્ચો પર હુમલા અમે જ કરાવ્યા : ઇસ્લામિક સ્ટેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 10:47:17
  • Views : 508
  • Modified Date : 2019-04-24 10:47:17

ઇસ્ટર સન્ડેના રોજ શ્રીલંકામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે ૧૫મી માર્ચના રોજ એક ઓસ્ટ્રેલિયન નાગરિક દ્વારા મસ્જિદ પર કરાયેલા હુમલાનો બદલો હોવાનું પ્રારંભિક તપાસમાં તારણ કઢાયું છે. શ્રીલંકાના નાયબ સંરક્ષણમંત્રી રુવાન વિજેવર્દને મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ખાતે માર્ચ મહિનામાં મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે શ્રીલંકાના ચર્ચો પર હુમલો કરાયો હતો. ૧૫મી માર્ચે ક્રાઇસ્ટ ચર્ચની બે મસ્જિદ પર એક ઓસ્ટ્રેલિયન નાગરિકે કરેલા હુમલામાં ૫૦ મુસ્લિમોનાં મોત થયાં હતાં. બીજી બાજુ ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે શ્રીલંકા હુમલાની જવાબદારી સ્વીકારી હતી.શ્રીલંકામાં મંગળવારે શોકદિવસ મનાવવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર દેશમાં ૩ મિનિટનું મૌન પળાયું હતું એ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.મૌનનો પ્રારંભ સ્થાનિક સમય પ્રમાણે સવારે ૮.૩૦ કલાકે કરાયો હતો. રવિવારે આજ સમયે ચર્ચો અને હોટેલો પર આતંકવાદી હુમલા કરાયા હતા.બીજી તરફ આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૌન પૂરું થયા પછી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે વધુ ઈજાગ્રસ્તોનાં મોત થતાં મૃતાંક ૩૨૧ પર પહોંચ્યો છે. રુવાન વિજેવર્દને સંસદમાં જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલામાં ૫૦૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે. આતંકવાદી હુમલાના સંદર્ભમાં ૪૦ કરતાં વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, શ્રીલંકાના આતંકવાદી હુમલામાં ૧૦ ભારતીયોનાં મોત થયાં છે.ઈસ્લામિક સ્ટેટની એક એજન્સી દ્વારા મંગળવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, શ્રીલંકામાં જે વિવિધ સ્થળે હુમલા કરવામાં આવ્યા તે ઈસ્લામિક સ્ટેટના ફાઈટર્સ દ્વારા કરવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એવી પણ છે કે, આ ગ્રૂપ દ્વારા હુમલા ખરેખર ઈસ્લામિક સ્ટેટ દ્વારા જ કરવામાં આવ્યા છે તેના નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ થયેલા આતંકવાદી હુમલામાં  પ્રારંભિક તપાસ દરમિયાન ઇસ્લામિક સ્ટેટની સંડોવણીના સંકેતો પ્રાપ્ત થયા હતા.  ઇસ્લામિક સ્ટેટ તરફી કેટલીક ટેલિગ્રામ ચેનલો દ્વારા સોમવારે  ઇસ્લામિક સ્ટેટના ઝંડા સાથે ૩ આત્મઘાતી હુમલાખોરોની તસવીરો  જારી કરાઈ હતી. આ ત્રણ આત્મઘાતી હુમલાખોરોમાં અબુલ બાર્રા,  અુલ મુખ્તાર અને અબુ ઉબૈદાનો સમાવેશ થાય છે.ભારતની સુરક્ષા એજન્સીઓએ શ્રીલંકાના સત્તાવાળાઓને ચેતવણી ઉચ્ચારી છે કે નેશનલ તૌવ્હિથ જમાતના આતંકવાદીઓ શ્રીલંકામાં ફરીવાર આતંકવાદી હુમલો કરી શકે છે. તાજેતરમાં જ કતારથી શ્રીલંકા પરત આવેલા નૌફર મૌલવીએ હાલ આ સંગઠનનો ચાર્જ સંભાળ્યો છે. ભારત સરકારે અત્યારે આતંકવાદી હુમલાની તપાસમાં શ્રીલંકાની સરકારને તમામ પ્રકારની ગુપ્તચર અને સંરક્ષણ સહાય ઉપલબ્ધ કરાવી રહી છે.

Download Our B K News Today App



Related News