સત્યમ ગ્રૂપે લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો લગાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 16:13:35
  • Views : 455
  • Modified Date : 2023-03-02 16:13:35

અમદાવાદના સત્યમ્ ગ્રૂપમાં રોકાણની લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો ચોપડાયો હતો. સરથાણા પોલીસમાં કોઠિયા દંપતિ સહિત ચાર સામે ઠગાઇનો ગુનો દાખલ થયો છે. સુરતમાં અવારનવાર લોકોને અનેક સ્કીમોની લાલચ આપી રૂપિયા પડાવી લેવાની ઘટના બની છે. ત્યારે પાસોદરા ગામે ઓમ ટાઉનશિપમાં રહેતા ભરતભાઇ મધુભાઇ અમરેલીયા બ્રેકર મશીન રાખી છૂટક મજૂરી કામ કરે છે. મિત્રના ભાઇ હસ્તક કૈલાસબેન કોઠિયા અને સંદીપભાઇ ચૌહાણ સાથે સંપર્ક થયો હતો. તેઓએ સત્યમ ગ્રૂપમાં નાણાં રોકાણની સ્કીમ સમજાવી હતી.
ઉલ્લેખનીય છે કે, દોઢ લાખના રોકાણ પર દસથી પંદર હજાર નફો આઠથી દસ દિવસમાં મળી જાય છે અને રૂપિયા ની ગેરંટીમાં સત્યમ ગ્રૂપની ફોર વ્હીલ ગાડી આપવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. ભરત અમરેલીયાએ તેઓને દોઢ લાખ આપ્યા હતા. ત્યારબાદ ઓનલાઇન 1.50 લાખ મળી કુલ 3 લાખનું રોકાણ કર્યુ હતું. તેઓએ સત્યમ ગ્રૂપના નામથી કારની ચાવી આપી હતી. જોકે કાર જ્યાં પાર્ક હતી તે જગ્યા એથી બે દિવસ બાદ બીજી ચાવી લગાવી કાર પણ લઈ ગયા હતા. જેથી અમદાવાદ-બાપુનગર ખાતે તેઓની હેડ ઓફિસ છે ત્યા આ પાંચેય રોકાણકારો ગયા હતા.
જોકે ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. ત્યારબાદ 3 લાખના રોકાણ પેટે પ્રોમિસરી નોટ અને બે ચેક આપ્યા હતા. જે ચેક પણ રિટર્ન થયા હતા. ત્યારબાદ અશોક કોઠિયા અને મધુ કવાડ સાથે કામરેજ ખાતે આવેલી ઓફિસમાં મિટિંગ કરી પાકું લખાણ આપ્યું હતું. ચિરાગ પાનેલીયાના 9.53 લાખ, કપિલ ગૌસ્વામીના 10.50 લાખ પણ ફસાય ગયા હતા. આમ, લોભામણી સ્કીમ આપી 17.20 લાખ પડાવી લીધા હતા. સાથો સાથ રૂષિત ડોડિયાએ સત્યમ ગ્રૂપના કામમાં ભાડા થી કાર લીધી હતી, જે કાર ભાડાના મેન્ટેનન્સ અને અન્ય ખર્ચના મળી 1.37 લાખ ચૂકવવામાં આવી ન હતી.
આમ, લોભામણી સ્કીમ આપી નાણાંનું રોકાણ કરાવી બાંહેધરી કરાર પર 27.40 લાખનું લખાણ લઈ લેવાયું હતું. જોકે, ભરત અમરેલિયા સહિત 5 જણાના 29.15 લાખ અટવાઈ જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સરથાણા પોલીસે કૈલાસબેન અશોકભાઇ કોઠિયા અને અશોક બાબુ કોઠિયા, સંદીપ મહેન્દ્ર ચૌહાણ અને મધુભાઇ ભીમાભાઇ કવાડ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News