દેશને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 16:36:43
  • Views : 406
  • Modified Date : 2023-01-16 16:36:43

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આજે મકરસંક્રાંતિના અવસર પર દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપી હતી. વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.

તેમણે કહ્યું, આ વંદે ભારત એક્સપ્રેસ તે વાતનું પ્રતિક છે જે દરેક નાગરિકને વધુ સારી સુવિધાઓ આપવા માગે છે. તે ભારતનું પ્રતિક છે, જે ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને આત્મ નિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. પીએમએ વધુમાં કહ્યું કે, આજે વંદે ભારત પર જે ઝડપથી કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય બાબત છે.

2023ની પહેલી ટ્રેન છે. 15 દિવસમાં આપણા દેશમાં દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ દર્શાવે છે કે વંદે ભારત અભિયાન ભારતમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ એક દેશી ટ્રેન છે. તેની સ્પીડના ઘણા વીડિયો લોકોના દિલ અને દિમાગમાં છવાઈ ગયા છે. આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ગવર્નર ટી સુંદરરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર હતા.

રેલ્વે મંત્રીએ કહ્યું કે, પીએમએ કહ્યું હતું કે દેશના એન્જિનિયર, ડિઝાઇનર્સ અને ટેકનિશિયન આ ટ્રેન બનાવશે. આ ટ્રેનમાં અવાજનું પ્રમાણ વિમાન કરતા 100 ગણું ઓછું છે, તે એન્જિનિયરો માટે ગર્વની વાત છે. રેલવે અને દેશનો વિકાસ રાજકારણથી ઉપર છે. જ્યાં કેન્દ્રની જરૂર પડશે ત્યાં હાજર રહીશું.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવી ટ્રેનની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે. શનિવારથી ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR)એ જણાવ્યું કે, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને બપોરે 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે.

રેલ્વેએ માહિતી આપી હતી કે, ટ્રેનમાં 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ સાથે 1,128 મુસાફરોની વહન ક્ષમતા છે. આ ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર લગભગ 8 કલાકમાં કાપશે. ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ 8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.

લગભગ 700 કિમીનું અંતર કાપીને, તે તેલુગુભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ ટ્રેન છે. ટ્રેન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે.

 

Download Our B K News Today App



Related News