ભારત સાથે વાટાઘાટો કરાવવા યુએઇના રાષ્ટ્રપતિ સમક્ષ પાકિસ્તાનની કાકલૂદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 16:38:13
  • Views : 428
  • Modified Date : 2023-01-20 16:38:13

શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને અપીલ કરી હતી કે તે ભારતને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર કરે.

પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'એ બુધવારે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર શાહબાઝે ઝાયેદને કહ્યું હતું કે ભારત અને વડાપ્રધાન મોદી સાથે તમારા ઘણા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો. તો ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરો.

મંગળવારે ગલ્ફ કન્ટ્રીઝની ન્યૂઝ ચેનલ 'અલ અરેબિયા'એ શાહબાઝનો ઈન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યો હતો. બુધવારે તેનો બીજો ભાગ સામે આવ્યો, જેમાં શરીફે ખુદ મોદી અને ભારત સાથે વાતચીત માટે પોતાની આતુરતાની વાત સ્વીકારી છે.

શાહબાઝ ગયા અઠવાડિયે જીનિવાથી પરત ફરતી વખતે UAE ગયા હતા. ત્યાંથી તેમને પૂર રાહત માટે 1 અબજ ડોલરની લોન પણ મળી. બાદમાં તેમણે અહીં અલ અરેબિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેનો કેટલોક ભાગ મંગળવારે સામે આવ્યો. તો બુધવારે બીજા ભાગમાં કેટલીક નવી બાબતો સામે આવી.

ઈન્ટરવ્યૂમાં એક સવાલ પર પાકિસ્તાનના વઝીર-એ-આઝમ કહે છે - મેં શેખ નાહ્યાન પાસે મદદ માગી છે. મેં તેમને ભારતને વાતચીત માટે તૈયાર કરવા કહ્યું છે. UAE ભારત સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને તે આપણો મુસ્લિમ ભાઈ પણ છે. જો તેઓ ઈચ્છે તો વડાપ્રધાન મોદી અને ભારતને વાતચીત માટે તૈયાર કરી શકે છે. પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે અને આ માટે ગંભીરતાથી વાતચીત કરવી જરૂરી છે. મેં શેખ નાહ્યાનને પણ વચન આપ્યું છે કે પાકિસ્તાન હવે સંપૂર્ણ ઇમાનદારી સાથે અને પરિણામ મેળવવા વાતચીત કરવા ઇચ્છે છે.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાને ભલે કોઈ વચન કે અપીલ કરી હોય, પરંતુ યુએઇએ શરીફની વાતને ગંભીરતાથી લીધી નથી. તેના દાખલા કે પુરાવાઓ પણ સામે આવી ચૂક્યા છે.

હકીકતમાં 12 જાન્યુઆરીએ મુલાકાત બાદ પાકિસ્તાન અને યુએઇ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન માટે શરમજનક બાબત છે કે આ નિવેદનમાં ક્યાંય કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ નથી. જોકે આ પણ પ્રથમ વખત નથી. અગાઉ સાઉદી અરેબિયાએ પણ સંયુક્ત નિવેદનમાં કાશ્મીર શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. પાકિસ્તાન આ બંને દેશને પોતાનો ઈસ્લામિક ભાઈ કહેતા થાકતું નથી.

Download Our B K News Today App



Related News