કેલિફોર્નિયામાં ઉપદ્રવીઓએ 6 ફૂટ ઉંચી ગાંઘીજીની પ્રતિમા તોડી, ભારતીયોમાં રોષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 13:39:52
  • Views : 356
  • Modified Date : 2021-01-30 13:39:52

    દેશમાં આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાથી મહાત્માગાંધીનો અનાદર કરવામાં આવ્યો હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે.અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પાર્કમાં અમુક અજ્ઞાત ઉપદ્રવીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે તોડ-ફોડ કરી છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બાપુના અનાદરથી નારાજ ભારતીય સમુદાયે આ ઘટનાની તાત્કાલિક તપાસની માંગણી કરી છે. આ પહેલાં ડિસેમ્બરમાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસી સામે મુકવામાં આવેલી પ્રતિમાને ખાલિસ્તાનીના સમર્થકોએ ખંડિત કર્યા પછી તેના પર પેઈન્ટ કરી દીધો હતો. ભારતે અમેરિકન સરકારને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઘટનાની નિંદા કરી છે.

    ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ગાંધી પ્રતિમા કેલિફોન્રિયાના સિટી ઓફ ડેવિસના સેન્ટ્રલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી. તેની ઉંચાઈ 6 ફૂટ અને વજન 294 કિલો હતી. બુધવારે સવારે સ્થાનિક લોકોએ જોયું કે ગાંધીજીની પ્રતિમાના પગ નહતા અને ચહેરાનો અડધો હિસ્સો પણ તોડી દેવામાં આવ્યો હતો. પાર્કના એક કર્મચારીએ સૌપ્રથમ આ ટૂટેલી પ્રતિમા જોઈ હતી અને પ્રશાસનને તેની માહિતી આપી હતી. પ્રતિમાની જગ્યા પણ બદલી દેવામાં આવી છે.પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ પોલ ડોરોશોવે કહ્યું કે, હાલ આ પ્રતિમાને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. અમે તેનું રિપેરિંગ કરાવીશું. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, આ ઘટના ક્યારે બની છે, પરંતુ આ ઐતિહાસિક પ્રતિમાના અપમાનથી લોકોમાં નારાજગી છે. અમે આ વિશે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ.

    ભારત સરકારે ચાર વર્ષ પહેલાં ડેવિસ સિટીને ગાંધીજીની પ્રતિમા ડોનેટ કરી હતી. તેને સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવી હતી. જોકે ત્યારે પણ એન્ટી ગાંધી અને એન્ટી ઈન્ડિયાના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને ઓર્ગેનાઈઝેશન ફોર માઈનોરિટીઝ ઈન ઈન્ડિયા (OFMI)એ તેનો વિરોધ કર્યો હતો. થોડા દિવસ પહેલાં જ આ પ્રતિમા હટાવવાની માંગ કરી હતી.

    ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ્સ (FISI)એ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેના નેતા ગૌરાંગ દેસાઈએ કહ્યું છે કે, અમુક ભારત વિરોધી લોકો અહીં નફરત ફેલાવી રહ્યા છે. તેમાં ખાલિસ્તાની સમર્થકો પણ સામેલ છે. અહીં હિન્દુ ફોબિયા ફેલાવામાં આવીરહ્યો છે.નવાઈની વાત એ છે કે, 2016માં OFMIએ કેલિફોર્નિયાની સ્કૂલોમાં ભણાવવામાં આવતા પુસ્તકોમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાની માંગણી કરી હતી. તેમનું કહેવું હતું કે, ઈન્ડિયાની જગ્યાએ સાઉથ એશિયાનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News