ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે ભારત વિશ્વમાં ટોચના ક્રમે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 15:43:35
  • Views : 448
  • Modified Date : 2023-03-01 15:43:35

વર્ષ 2022ની વાત કરવામાં આવે તો ભારતે કુલ 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. જે કારણે ભારત સતત પાંચમી વખત ઈન્ટરનેટ સેવા બંધ કરનારા દેશોની યાદીમાં ટોચ પર છે. ભારતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાના ઘણા કારણો જોવા મળ્યા હતા. જેમ કે, દેશમાં વિરોધ પ્રદર્શન, પરીક્ષાનું આયોજન કરવવા તેમજ ચૂંટણી સહિતના અનેક કારણો જોવા મળે છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, 2022માં જે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં  જમ્મુ અને કાશ્મીર સૌથી આગળ જોવા મળ્યું હતું. જ્યાં 49 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2022માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે એક પછી એક 16 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને રાજસ્થાનમાં અલગ-અલગ કારણના લીધે 12 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો પશ્ચિમ બંગાળની વાત કર્યે તો 7 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અહેવાલ એવું દર્શાવે છે કે, વર્ષ 2016થી ઈન્ટરનેટ સેવા શટડાઉનના લગભગ 58 ટકા તો ભારતમાં જ થયા છે. જોકે અહેવાલ મુજબ એવું દર્શાવવામાં આવ્યું કે, 2021 ની સરખામણીએ ઓછી વખત ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે. 

અહેવાલ રજૂ થયા બાદ એક નિષ્ણાતએ જણાવ્યું હતું કે, ભારતે દુનિયા પરના અન્ય દેશ કરતાં વધુ ઇન્ટરનેટ બંધ કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવી તે મૂળભૂત અધિકારો પર હુમલા જેવું કામ કરે છે. G20 ની અધ્યક્ષતા ધરાવતા દેશ માટે અને ભારતના ટેક અર્થતંત્ર તેમજ ડિજિટલ આજીવિકાની મહત્વાકાંક્ષાના ભાવિને જોખમમાં મૂકે છે. 

ઈન્ટરનેટ સેવા બંધ થવાથી માત્ર દેશની અર્થવ્યવસ્થાને જ નુકસાન થતું નથી, પરંતુ પ્રેસની સ્વતંત્રતા અને માનવ અધિકારોના મુલ્યોને પણ અસર થાય છે. 2016માં, યુનાઈટેડ નેશન્સે ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી. કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News