સુરતમાં ચાર કુતરાએ બાળકી ઉપર 40 જેટલા બચકાં ભર્યા હતા, ગંભીર ઘવાયેલી બાળકીને સર્જરી કરાઇ હતી, પણ બચી શકી નહિં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-24 15:15:56
  • Views : 441
  • Modified Date : 2023-02-24 15:15:56

ગુજરાતમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી કૂતરાના હુમલાના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરનો આવો મામલો સુરતો છે. સુરતમાંથી હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 2 વર્ષની બાળકી પર ચાર જેટલા શ્વાને હુમલો કરતા બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહત્વનું છે કે, 19મી ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી ત્યારે તેના પર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. જે બાદથી તેની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. 

આ મામલે મેયર હેમાલી બોઘાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, આજે સારવાર દરમિયાન 2 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. બાળકી પર રવિવારે શ્વાને હુમલો કર્યો હતો, જેથી સારી સારવાર કરવા ડોક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જોકે, બાળકી બચી ન શકી. તેમણે જણાવ્યું કે,  શહેરના 20 હજાર જેટલા શ્વાનોને રસીકરણ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. દરરોજના 30 જેટલા શ્વાનોને રસીકરણ કરવામાં આવે છે. રસીકરણ બાદ પણ શ્વાનનું કરડવાનું બંધ થતું નથી. 

શહેરના ખજોદ વિસ્તાર પાસે આવેલા ડાયમંડ બુર્શમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની 2 વર્ષની દીકરી ગત રવિવારે રમતી હતી ત્યારે શ્વાનોએ અચાનક જ બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે એકપછી એક 40 જેટલા બચકા ભરી લીધા હતા. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 

2 વર્ષની બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  જ્યાં ડોક્ટરોએ બાળકીને 30થી 40 જેટલા બચકા ભર્યા હોવાનું ડોક્ટરે કહ્યું હતું. 2 દિવસ સારવાર બાદ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ. સમગ્ર સિવિલ હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું. બાળકીના અવસાનને પગલે પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. 2 મહિનામાં શ્વાનના હુમલાની ચોથી ઘટનાના આ બનાવને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે.

Download Our B K News Today App



Related News