ઈરાકમાં છોકરીએ સ્કર્ટ પહેરતા હજારો યુવાનોનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 15:21:18
  • Views : 446
  • Modified Date : 2023-01-07 15:21:18

ઈરાકમાં એક બાઈક રેસિંગ શો દરમિયાન ટૂંકા કપડાં પહેરીને આવેલી ૧૭ વર્ષની છોકરી પર હજારો યુવાનોએ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ટીનેજરને યુવાનોએ ધક્કે ચડાવી હતી અને માર માર્યો હતો. પુરુષ મિત્રની મદદથી છોકરી માંડ જીવ બચાવીને ટોળામાંથી બહાર આવી શકી હતી.

ઈરાકના કુર્દ વિસ્તારમાં ૧૭ વર્ષની છોકરી સ્કર્ટ પહેરીને બહાર નીકળી હતી. એક બાઈક રેસિંગ શો દરમિયાન હજારો યુવાનોએ એ છોકરીને ટૂંકા કપડાં પહેરવા બદલ ગાળો આપી હતી એને તેના પર હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એ છોકરીને હજારો યુવાનો ધક્કે ચડાવતા નજરે ચડે છે. એમાંથી કેટલાક તેને ગાળો આપી રહ્યા છે અને કેટલાક તેને લાત મારી રહ્યા છે.

ઈરાકના કુર્દિસ્તાનના સુલેમાનિયા શહેરમાં ઘટના બની હોવાનું કહેવાય છે. ભીડમાં ફસાયેલી એ છોકરી સાથે યુવક પણ હતો. એ તેનો મિત્ર હતો અને તેણે ટોળાને સમજાવીને માંડ છોકરીને બચાવી હતી. આ છોકરીને નાની-મોટી ઈજા પહોંચી છે. હજારો યુવાનો એ સ્થળે હાજર હોય એવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

કિશોરી પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું, એના બદલે લોકો એ ઘટનાનો વીડિયો બનાવતા હતા. તેના પર અશ્લિલ કપડાં પહેરવાનો આરોપ મૂકાયો હતો. લાજવાને બદલે ગાજીને ટોળાંએ કહ્યું હતું કે તેણે ઈસ્લામના કોડ પ્રમાણે કપડાં પહેર્યા ન હોવાથી સજા થવી જરૂરી છે. આ મુદ્દે ચર્ચા જાગતા પોલીસે ૧૬ લોકોની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News