અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 17:31:04
  • Views : 449
  • Modified Date : 2023-02-08 17:31:04

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પૂરવામાં આવે છે. તંત્રની આ કામગીરી રોજેરોજ ચાલતી રહે છે, જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં સત્તાધીશોને રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં સારી એવી સફળતા સાંપડી છે. તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ છેલ્લા 10 મહિનામાં 16,323 ઢોરને શહેરભરમાંથી પકડવામાં આવ્યાં છે.

અમદાવાદમાં રખડતાં ઢોરની રંજાડની સમસ્યા સતત વકરતી જાય છે. આમ તો તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલતી હોઈ ખાસ તો નિકોલ, ઓઢવ, કાગડાપીઠ, બોપલ, વાડજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે.

તંત્રના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ (સીએનસીડી) દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ને વધુ અસરકારક બનાવવા પૂરતો સ્ટાફ ફાળવાઈ રહ્યો છે. તેમ છતાં પશુપાલકોની બાઇકર્સ ગેંગ તેમજ વિભિન્ન વોટ્સએપ ગ્રૂપના કારણે ઢોર પાર્ટી જે તે સ્થળે ઢોર પકડવા પહોંચે તે પહેલાં તેનું પેપર ફૂટી જતાં રખડતાં ઢોર સગેવગે થઈ જાય છે તેવી સીએનસીડી વિભાગની ફરિયાદ છે તો સામા પક્ષે સીએનસીડી વિભાગના કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ પણ ચૂક્યા છે. હવે સીએનસીડી વિભાગની રખડતાં ઢોરને પકડવાની કામગીરી જોતાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-2022માં તંત્રએ સૌથી ઓછાં 912 ઢોર પકડ્યાં છે.

મે-2022માં 1808, જૂન-2022માં 1609, જુલાઈ-2022માં 1311, ઓગસ્ટ-2022માં 1299, સપ્ટેમ્બર-2022માં સૌથી વધુ 2640 ઢોર, ઓક્ટોબર-2022માં 1099, નવેમ્બર-2022માં 1742, ડિસેમ્બર-2022માં 1992 અને છેલ્લા જાન્યુઆરી-2023માં 1921 ઢોરને ઢોર પાર્ટી દ્વારા પકડી લેવાયાં હતાં.

આમ, ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં તંત્રએ કુલ 16,323 ઢોર પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂર્યાં હોવા છતાં ઢોરવાડાની ક્ષમતા વધુ ન હોઈ ઢોર પકડવાની કામગીરી આંખે ઊડીને વળગે તેવી થતી નથી તેવો તંત્રનો દાવો છે. લાંભા ખાતે હંગામી ધોરણો ઢોરવાડો ઊભો કરાયો છે. આ ઢોરવાડામાં 500 ઢોર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત દહેગામ હાઈવે પાસેના ગણેશ હેરિટેજ સામે અને નરોડા-દહેગામ રોડ પર વ્રજ રેસિડેન્સીની બાજુમાં કામચલાઉ નવા ઢોરવાડા તૈયાર થઈ રહ્યા છે. આ બંને ઢોરવાડામાં પણ 500-500ની સંખ્યા મુજબ કુલ 1000 ઢોર પૂરી શકાશે.

બહેરામપુરાના કરુણા મંદિર એટલે કે ઢોરવાડામાં કુલ 2500 ઢોરને પૂરવાની ક્ષમતા છે. ત્યાં વધુ ઢોર રાખી શકાય છે તેમ છતાં અગમ્ય કારણસર ઢોરવાડામાં રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણનું અધિકૃત સેન્ટર ધમધમે છે. આ સેન્ટરને અન્યત્ર ખસેડવા માટે ઉચ્ચ સ્તરે અનેક વાર લેખિત રજૂઆત થઈ ચૂકી છે. તેમ છતાં અગમ્ય કારણસર સ્થિતિ 'જૈસે થે' જ છે.

સીએનસીડી વિભાગ દ્વારા ચાલુ ફેબ્રુઆરી મહિનાની તા. 1થી 5 સુધીમાં વધુ 291 ઢોર પકડવામાં આવ્યાં છે. તંત્રએ ખરેખર તો રોજનાં 100 ઢોર પકડવાં જોઈએ તેના બદલે હજુ પણ સરેરાશ 70-80 ઢોર પકડવામાં આવે છે.

Download Our B K News Today App



Related News