બ્રિટનનાં રાણી એલિઝાબેથની વિદાય

  • Published By :
  • Published Date : 2022-09-09 12:20:23
  • Views : 303
  • Modified Date : 2022-09-09 12:20:23

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીય હવે હયાત રહ્યાં નથી. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. એલિઝાબેથ-IIએ ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેઓ 1961, 1983 અને 1997માં ભારતના શાહી મહેમાન બન્યાં હતાં. 21 જાન્યુઆરી 1961 ના રોજ  રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપે ભારતની પ્રથમ મુલાકાત લીધી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ તેમનું સ્વાગત કરવા પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ 1961માં ભારતના પ્રજાસત્તાક દિવસે પરેડના સાક્ષી રહ્યા હતા. પરેડ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સાથે વેગનમાં પરત ફર્યા હતા. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા એલિઝાબેથ-દ્વિતીયએ કાશીની પણ મુલાકાત લીધી હતી. તેમણે કાશીના રાજા વિભૂતિ નારાયણ સિંહ સાથે શાહી હાથી પર સવારી કરી હતી.

1961માં એલિઝાબેથ છ સપ્તાહના પ્રવાસે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. અને સાથે પતિ પ્રિન્સ ફિલિપ પણ હતા. એલિઝાબેથ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ જયપુર પહોંચ્યા. આ દરમિયાન પ્રિન્સ ફિલિપે વાઘનો શિકાર કર્યો હતો. બ્રિટિશ રાણીએ 1983માં કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ મળ્યાં હતાં.

ભારતની આઝાદીનાં 50 વર્ષ પૂર્ણ થવા પર 1997માં બ્રિટનની રાણીએ છેલ્લી વખત ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 1997માં રાણી એલિઝાબેથ દ્વિતીય અમૃતસર પહોંચી હતી. ત્યાં તેમણે શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરમાં માથું નમાવ્યું હતું.

Download Our B K News Today App



Related News