ચીનનું એમ્પ્ટી પ્લેટ કેમ્પેન, જમવાનું એઠું મૂકે તેને 1 લાખ રૂપિયાનો દંડ, રેસ્ટોરન્ટને કાનૂની સત્તા હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:17:25
  • Views : 373
  • Modified Date : 2020-12-25 12:17:25

    છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વના ઘણા દેશો સાથે ચીનના સંબંધોમાં કડવાશ આવી છે. અમેરિકા સામે ટ્રેડ વૉર ઉપરાંત ચીન ભારત સાથે લદાખમાં એલએસી પર ઘર્ષણમાં ઉતરી રહ્યું છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ ચીનને શંકાભરી નજરે જોવે છે. આ બધા કારણોથી ચીનની આયાત-નિકાસને અસર થઇ છે, જેના કારણે કોરોનાકાળમાં તેની હાલત વધુ ખરાબ થઇ છે. આ બધા કારણોસર ચીન ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહ્યો હોવાની અટકળો થઇ રહી છે. આ સંકટને એ તથ્યથી સમજી શકાય છે કે એલએસી પર તંગદિલી છતાં ચીને ભારતમાંથી ચોખાની આયાત કરવાનું નક્કી કર્યું છે.

    આ સંકટને પહોંચી વળવા ચીને એક અનોખી નીતિ ઘડી છે. ચીનમાં હવે જમવાનું એઠું મૂકનારા લોકોને તેમ જ જે-તે રેસ્ટોરન્ટને દંડ ફટકારાશે. આ બધું રાષ્ટ્રપતિ શી જિનપિંગના ‘ઓપરેશન એમ્પ્ટી પ્લેટ’ હેઠળ કરાઇ રહ્યું છે, જેથી લોકો જેટલી ભૂખ હોય તેટલું જ ફૂડ લે. ઓવરઇટિંગને પ્રોત્સાહન આપતી તમામ પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની યોજના પણ ઘડાઇ છે. રેસ્ટોરન્ટમાં જમવા જતા લોકો માથાદીઠ એકથી વધુ ડિશ ઓર્ડર નહીં કરી શકે. પ્રસ્તાવિત નવા નિયમો મુજબ, પ્લેટમાં જમવાનું એઠું મૂકવા બદલ 10 હજાર યુઆન (અંદાજે 1.12 લાખ રૂ.) સુધીનો દંડ થઇ શકે છે. રેસ્ટોરન્ટને પણ જમવાનું એઠું મૂકનારા લોકોને દંડ ફટકારવાની સત્તા અપાશે. ચાઇના એકેડમી ઑફ સાયન્સના એક રિપોર્ટ મુજબ, માત્ર બેજિંગ અને શાંઘાઇમાં લોકો દર વર્ષે એટલું જમવાનું બગાડે છે કે જેટલા ભોજનથી 3થી 5 કરોડ લોકોને આખું વર્ષ ખવડાવી શકાય. ખાદ્યાન્ન કટોકટી વચ્ચે ચીન સરકાર ભોજનનો બગાડ કરવાની લોકોની આ ટેવ બદલવા માગે છે.

    દેશમાં વધતી સ્થૂળતા અંગે જિનપિંગ સરકાર ચિંતિત છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના સ્ટડી મુજબ દેશમાં 50 કરોડથી વધુ લોકો ઓવરવેટ છે, એટલે કે તેમનું વજન સામાન્યથી વધુ છે. વર્ષ 2002માં ચીનમાં સ્થૂળતાનો દર 7.1% હતો, જે 2020માં વધીને 16.4% થઇ ચૂક્યો છે. રિપોર્ટમાં સ્થૂળતાનું કારણ લોકોની શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો ગણાવાયું છે.



Download Our B K News Today App



Related News