બનાસકાંઠાના શિહોરીની હોસ્પિટલના ICUમાં આગ લાગતા અફરાતફરી: એક નવજાતનું મોત, અન્ય 2 બાળકો ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 12:57:23
  • Views : 527
  • Modified Date : 2023-03-15 12:57:23

બનાસાકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કાંકરેજના શિહોરીની બાળકોની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. મહત્વનું છે કે, જ્યારે હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 3 બાળકો દાખલ હતા.મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીની હની હોસ્પિટલમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ બનાવ સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. જે બાદ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, હોસ્પિટલના ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે બાળકોના સ્વાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાલ ફાયર વિભાગના કર્મચારી દ્વારા આગને કાબૂમાં કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ વાપી GIDCમાં આવેલી વ્રજ  કેમ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદ અન્ય બે કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરતા વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડ દ્વારા બિગ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે સુરત અને ભરૂચથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. 20થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે.

Download Our B K News Today App



Related News