70 વર્ષ બાદ ચિત્તાઓનું ભારતમાં આગમન

  • Published By :
  • Published Date : 2022-09-16 13:16:45
  • Views : 240
  • Modified Date : 2022-09-16 13:16:45

દક્ષિણ આફ્રિકાના 8 ચિત્તાઓને અગાઉ રાજસ્થાનના જયપુરમાં લાવવાના હતા પરંતુ લોજિસ્ટિકને લગતી મુશ્કેલીઓના કારણે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચિત્તાઓને ગ્વાલિયરથી ચાર્ટર હેલિકોપ્ટર દ્વારા મધ્ય પ્રદેશના કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) ખાતે લઈ જવામાં આવશે. આ કારણે જયપુર પહોંચી રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે જયપુર એરપોર્ટ પાસે જે રૂમ બુક કરવામાં આવ્યા હતા તે રદ્દ કરવામાં આવ્યા છે. આજે રાત્રે 8 ચિત્તાઓ સાથેનું ખાસ વિમાન નામિબિયાથી ભારત આવવા રવાના થશે અને 17મી સપ્ટેમ્બરે સવારે 8:00 કલાકે તે ગ્વાલિયર પહોંચશે. ત્યાંથી ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન પોતાના જન્મદિવસ પર આ ચિત્તાઓને અભયારણ્યમાં બનાવવામાં આવેલા ખાસ વાડાઓમાં છોડશે.

ખાસ વાત એ છે કે, નામિબિયાથી ભારત આવી રહેલા ચિત્તાઓને હવાઈ મુસાફરી દરમિયાન ખાલી પેટ રાખવામાં આવશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચિત્તાઓને નામિબિયાથી ઉડાન ભર્યા બાદ સીધા કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે જ ભોજન આપવામાં આવશે. સાવધાનીના પગલારૂપે એ જરૂરી છે કે, મુસાફરી દરમિયાન પ્રાણીઓનું પેટ ખાલી હોય. આ કારણે પ્રાણીઓ મુસાફરી દરમિયાન ઉબકા સહિતની સમસ્યાથી બચી શકે છે.

30 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવામાં આવશે: કુનો પહોંચ્યા બાદ ચિત્તાઓને 30 દિવસ સુધી એક વાડામાં રાખવામાં આવશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. ત્યાર બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે. ઈકોલોજિકલ બેલેન્સ જાળવી રાખવા માટે ઓછામાં ઓછા 25-30 ચિત્તા હોવા જરૂરી છે માટે 5 વર્ષમાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી વધુ કેટલાક ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.

1947થી ભારતમાં ચિત્તા લુપ્ત: ચિત્તાઓના શિકારની ઘટનાઓના કારણે તે પ્રજાતિ સંકટમાં આવી ગઈ હતી. મધ્ય પ્રદેશમાં કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં દેશમાં છેલ્લા બચેલા 3 ચિત્તાઓનો શિકાર કરી નાખ્યો હતો. ત્યાર બાદ 1952માં ભારત સરકારે ચિત્તાઓને સત્તાવાર રીતે વિલુપ્ત જાહેર કર્યા હતા.

 

Download Our B K News Today App



Related News