2024માં વિપક્ષી એકતા માટે કોઇપણ બલિદાન આપવાની તૈયારી છેઃ કોંગ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-27 14:45:12
  • Views : 520
  • Modified Date : 2023-02-27 14:45:12

વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવાના પ્રયાસમાં, કોંગ્રેસે ત્રીજા મોરચાની રચના માટે પહેલ કરી રહેલા પક્ષોને નિશાન પર લઈ કહ્યું કે 2024માં ત્રીજા પક્ષની કોઈપણ પહેલનો સીધો ફાયદો ભાજપ-એનડીએને થશે. આ ઉપરાંત તેના 85મા સામાન્ય અધિવેશનમાં પસાર કરવામાં આવેલા રાજકીય ઠરાવમાં વિપક્ષી એકતાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાર્ટીએ સમાન વિચારધારાવાળા પક્ષોને એક કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અત્યાર સુધી કોંગ્રેસથી અંતર જાળવી રાખનારા પક્ષોને એક કરવા એક પગલુ આગળ વધારવાનું એલાન કરતા કહ્યું કે, વિપક્ષી ગઠબંધન માટે પાર્ટી કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.

કોંગ્રેસ સંમેલનનું ઉદ્ઘાટન કરતા ખડગેએ કહ્યું કે, 2004થી 2014 સુધી કોંગ્રેસે સમાન વિચારધારાવાળા પક્ષોનું નેતૃત્વ કરીને દેશની મજબૂતીથી સેવા કરી. મનમોહન સિંઘના રૂપમાં અત્યંત પ્રામાણિક વડાપ્રધાનના નેતૃત્વમાં જનહિતની સરકારને ષડયંત્ર હેઠળ બદનામ કરવામાં આવી.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવાનો દાવો કરતા ખડગેએ કહ્યું કે, વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં કોંગ્રેસ જ એકમાત્ર એવો પક્ષ છે જે સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વ આપી શકે છે. તેમણે કહ્યું કે, એકજુટ વિપક્ષની તાતી જરૂર છે. ત્રીજી પાર્ટીના ઉદ્ભવથી ભાજપ-એનડીએને જ ફાયદો થશે.

આ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ, ભારત રાષ્ટ્ર સમિતિ, આમ આદમી પાર્ટી, જેડીએસ જેવી પાર્ટીઓને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેઓ કોંગ્રેસથી દૂર રહીને વિપક્ષી એકતાના પ્રયાસમાં લાગેલા છે. પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણી માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાની વાત પણ કરી છે, જેમાં બેરોજગારી, ગરીબી નાબૂદી, મોંઘવારી, મહિલા સશક્તિકરણ, રોજગાર નિર્માણ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓને સામેલ કરવામાં આવશે.

પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે, દેશ બંધારણીય અને લોકતાંત્રિક મૂલ્યો પર સતત હુમલા, ચીન સાથેની સરહદે રાષ્ટ્રીય સુરક્ષા, ઉચ્ચ ફુગાવો અને રેકોર્ડ બેરોજગારી જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ તેનો ઉકેલ મળી રહ્યો નથી કારણ કે દિલ્હીમાં સત્તા પર રહેલા લોકોના ડીએનએ 'ગરીબ વિરોધી' છે અને તેઓ લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News