ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-05 13:41:55
  • Views : 43
  • Modified Date : 2026-03-05 13:41:55

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 40% ક્રૂડ ઓઈલ આ જ રૂટ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. 

જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ફરી એકવાર ભારતની વહારે આવ્યું છે. રશિયાએ ભારતને તેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે અને હાલમાં ભારતીય દરિયાઈ સીમાની નજીક જ જહાજોમાં આશરે 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઈલ હોવાના અહેવાલ છે, જે આગામી થોડા જ અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે.

ભારતીય રિફાઇનરો દરરોજ લગભગ 5.6 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે. હાલમાં ભારત પાસે અંદાજે 25 દિવસનો તેલનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સરકાર લાંબા ગાળાની વ્યૂહનીતિના ભાગરૂપે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાની મથકો પર કરાયેલા હુમલા બાદ સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા ભારતની ક્રૂડની જરૂરિયાતના 40% સુધી હિસ્સો પૂરો કરવા તૈયાર છે. જોકે, રશિયા પાસેથી તેલની આયાત વધારવાનો અંતિમ નિર્ણય અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો અને સરકારના માર્ગદર્શન પર નિર્ભર રહેશે.

નોંધનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ભારતે અમેરિકા સાથેના વ્યાપારી સંબંધોને ધ્યાનમાં રાખીને રશિયન તેલની આયાત ઘટાડીને 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરી દીધી હતી. પરંતુ ફેબ્રુઆરીમાં આ હિસ્સો ફરી વધીને 30% થયો છે. હવે રશિયાએ ભારતની કુલ જરૂરિયાતના 40% સુધીનો હિસ્સો પૂરો કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, રશિયા પાસેથી તેલની આયાત કેટલી વધારવી, તેનો આખરી નિર્ણય ભારત સરકાર અમેરિકા સાથેની મંત્રણા અને પોતાની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેશે.

 

Download Our B K News Today App



Related News