એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-22 14:44:12
  • Views : 79
  • Modified Date : 2026-01-22 14:44:12

મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના 'મહાયુતિ' ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

 


Download Our B K News Today App



Related News