રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-02 14:55:26
  • Views : 100
  • Modified Date : 2026-02-02 14:55:26

સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે.  બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું કે જો નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના ટેન્ક કૈલાશ રિઝ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો. 

ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે. રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો. 

રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો. 


Download Our B K News Today App



Related News