અમેરિકાની કથની અને કરણી જુદી:અમેરિકાની F-16 ફાઇટર વિમાનો માટે પાક.ને 450 મિલિયન ડૉલરની મદદ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-20 14:35:05
  • Views : 269
  • Modified Date : 2022-10-20 14:35:05

    આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવાનાં ગાણાં ગાતા અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને ખુલ્લેઆમ આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ વખતે અમેરિકાએ ભારતના વિરોધને અવગણીને પાકિસ્તાનને એફ-16 પેકેજ જાહેર કર્યું છે. અમેરિકન સેનેટના 30 દિવસના ફરજિયાત નોટિસ પિરિયડમાં કોઇએ વાંધો ના ઉઠાવતા પાકિસ્તાન માટે લાભદાયી આ ડીલનો માર્ગ મોકળો થઇ ગયો છે.સાતમી સપ્ટેમ્બરે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી વતી યુએસ સંસદને સૂચના આપતા કહ્યું હતું કે, ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામ હેઠળ બાઇડેન સરકાર પાકિસ્તાન સાથે સંરક્ષણ સોદો કરવા મક્કમ છે. આ અંગે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન અને સેનેટર રોબર્ટ મેન્ડીઝે 13 સપ્ટેમ્બરે સંસદમાં કહ્યું હતું કે હવે અમેરિકન સંસદ પાસે 30 દિવસ છે, જે સમયમાં તેઓ આ સોદાની સમીક્ષા કરી શકે છે.

હકીકત એમ છે કે બાઇડેન સરકારે પૂર્વ પ્રમુખ ટ્રમ્પનો પાકિસ્તાનને સુરક્ષાને લગતી મદદ નહીં કરવાનો નિર્ણય પલટાવ્યો હતો. એટલું જ નહીં, આ સોદાની સમીક્ષા કરવા અમેરિકન સંસદ પાસે 30 દિવસનો સમય હતો, જે ગાળામાં 100 સેનેટર પૈકી કોઇએ વાંધો ના ઉઠાવ્યો. આ સાથે જ અમેરિકા દ્વારા પાકિસ્તાનને 450 મિલિયન ડૉલરના પેકેજનો માર્ગ મોકળો થઇ ગયો છે.

આ નિર્ણય સામે ભારત સરકારે સવાલ પણ ઉઠાવ્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા મહિને અમેરિકાના પ્રવાસ વખતે કહ્યું હતું કે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધથી બેમાંથી એક પણ દેશને ફાયદો નથી થયો. અમે એફ-16 વિમાનો માટેના 450 મિલિયન ડૉલરના પેકેજનો વિરોધ કરીએ છીએ. આ દરમિયાન બાઇડેન સરકારે દલીલ કરી હતી કે, પાકિસ્તાનનો એફ-16 પ્રોગ્રામ અમારી પાકિસ્તાન સાથેની સુરક્ષા સમજૂતીનો મહત્ત્વનો હિસ્સો છે.બીજી તરફ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પાકિસ્તાનને મદદ કરવાના અમેરિકાના નિર્ણય અંગે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સિંઘે 14 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી. આમ છતાં, અમેરિકાએ રટણ કર્યે રાખ્યું હતું કે, એફ-16 વિમાનોના કાફલાથી પાકિસ્તાનને આતંકવાદ સામે લડવામાં મદદ મળશે અને અમેરિકા ઇચ્છે છે કે, પાકિસ્તાન તમામ આતંકી સંગઠનો સામે કડક પગલાં લે.

હજુ ગયા સપ્તાહે જ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. બાઇડેને કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાનો સૌથી જોખમી દેશ છે કારણ કે, પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા છે અને તે પરમાણુ શસ્રો પણ ધરાવે છે. આ નિવેદન પછી પાકિસ્તાને અમેરિકાના ઇસ્લામાબાદ સ્થિત રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું. અમેરિકાએ પણ પાક. રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા.અમેરિકાએ પાક.ને શીતયુદ્ધ વખતે 1981માં એફ-16 આપ્યાં હતાંઅમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું એ વખતે 1981માં પાકિસ્તાનને પહેલીવાર અમેરિકા તરફથી એફ-16 વિમાનો મળ્યાં હતાં. આ વિમાનોથી પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતા અનેકગણી વધી ગઇ હતી અને ભારત માટે થોડું જોખમ વધ્યું હતું. જોકે, છેલ્લા બે દસકામાં ભારત-પાકિસ્તાન ફક્ત એક જ વાર, ફેબ્રુઆરી 2019માં, એરિયલ કોમ્બેટમાં સામેલ થયા હતા. એ વખતે ભારતીય વાયુસેનાએ મિગ-21 બાયસનથી પાકિસ્તાનના એફ-16નો સામનો કર્યો હતો.

Download Our B K News Today App



Related News