કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની ભૂત ધુણ્યું ,ખાલિસ્તાની સમર્થકોનો મંદિર પર 15 દિવસમાં ત્રીજીવાર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-24 16:40:50
  • Views : 510
  • Modified Date : 2023-01-24 16:40:50

ઓસ્ટ્રેલિયામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ મેલબોર્નના અલબર્ટ પાર્ક ખાતે આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. મેલબોર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર હુમલા કર્યાની ત્રીજી ઘટના સામે આવી છે. ઇસ્કોન મંદિર, જેને હરેકૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન એક ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને દીવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા છે.

ઇસ્કોન મંદિરના ભક્તદાસે જણાવ્યું હતું કે, 'મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટનાથી અમે પરેશાન અને આક્રોશમાં છીએ.' જ્યારે ઇસ્કોન મંદિરના એક આઈટી સલાહકાર અને ભક્ત શિવેશ પાંડેએ કહ્યું, "છેલ્લાં બે અઠવાડિયાંમાં વિક્ટોરિયા પોલીસ હિન્દુ મંદિર પર હુમલો કરનારાઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, જેઓ શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ તેમનો નફરતથી ભરેલો એજન્ડા ચલાવી રહ્યા છે. આ પહેલાં પણ ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીએ મંદિર પર હુમલો કર્યો હતો. બરાબર 5 દિવસ પછી અન્ય એક મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ પહેલાં ખાલિસ્તાની સમર્થકોએ 17 જાન્યુઆરીએ વિક્ટોરિયાના કારુમ ડોન્સમાં આવેલ એક શિવ-વિષ્ણુ મંદિરમાં પણ હુમલો કર્યો હતો. મંદિરમાં તોડફોડની આ ઘટના ત્યારે સામે આવી હતી, જ્યારે તમિળ હિન્દુ સમુદાયનો ત્રણ દિવસીય લાંબો તહેવાર પોંગલ નિમિત્તે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા હતા. શિવ-વિષ્ણુ મંદિરમાં વર્ષોથી પૂજા કરી રહેલા ઉષા સેંથિલનાથને જણાવ્યું હતું કે, અમે ઓસ્ટ્રેલિયામાં તમિળ લઘુમતી સમુદાયના છે. આ અમારું પૂજા કરવાનું સ્થળ છે અને એ મને ક્યારેય સ્વીકાર્ય નથી કે ખાલિસ્તાની સમર્થક કોઈ જાતના ડર વિના પોતાના નફરતભર્યા સંદેશાઓ લખીને મંદિરની તોડફોડ કરે.

આ પહેલાં 12મી જાન્યુઆરીએ પણ મેલબોર્નમાં આવેલા  ભગવાન સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર પણ ભારતવિરોધી નારા લખીને અસામાજિક તત્ત્વોએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાની નિંદા કરતા સ્વામિનારાયણ મંદિરના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે 'આ બર્બરતા અને નફરત ભરેલા હુમલાઓથી અમે ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સદભાવ માટે પ્રાર્થના કરીએ છીએ.'

આ પહેલાં કેનેડામાં પણ સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી  હતી. અહીં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના પછી કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું છે કે ટોરેન્ટોમાં આવેલા મંદિરમાં થયેલી આ ઘટનાથી ખૂબ દુઃખી છું. આપણે એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દેશમાં રહીએ છીએ, જ્યાં દરેકને સુરક્ષા મેળવવાનો હક છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

Download Our B K News Today App



Related News