ગુલામ નબીની પાર્ટીમાંથી 17 નેતા ‘આઝાદ’ થઇ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 16:36:05
  • Views : 326
  • Modified Date : 2023-01-07 16:36:05

ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ગુલામ નબી આઝાદના નેતૃત્વવાળી ડેમોક્રેટિક આઝાદ પાર્ટીમાંથી 17 નેતાઓએ પાર્ટીની સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ગુલામ નબીનો સાથ છોડનારા નેતાઓમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદનો પણ સમાવેશ થતો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ નેતાઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.

કોંગ્રેસના મહામંત્રી કે.સી વેણુગોપાલે પાછા ફરેલા નેતાઓનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજ્યમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ નેતાઓ પક્ષમાં પાછા ફર્યા છે તે અમારા માટે અત્યંત આનંદના સમાચાર છે.

તારાચંદની સાથે જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ પીરઝાદા મોહમંદ પણ ગુલામ નબીનો સાથે છોડી ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસના અન્ય એક મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુલામ નબી આઝાદની પાર્ટીના અનેક નેતાઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ જશે. યાદ રહે કે ગુલામ નબી આઝાદે પોતાના નવા પક્ષની સ્થાપના કરી તે સાથે જ પક્ષમાં આંતરિક કલહ અને ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ શરૂ થઇ ગઇ હતી. ગત બે સપ્તાહ દરમ્યાન જ તારાચંદને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ હાંકી કઢાયા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ એવી અફવા ઉડી હતી કે ગુલામ નબી ઝાદ પોતે જ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જો કે બાદમાં આઝાદે આ અફવાને તદ્દન નિરાધાર ગણાવી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમના પક્ષના કાર્યકરોનું મનોબળ તોડવાના આશયથી આ પ્રકારની અફવા ઉડાડવામાં આવે છે.

Download Our B K News Today App



Related News