વિદેશ યાત્રા / યુરોપ પ્રવાસમાં વિશ્વના અગ્રણી નેતાઓને મળીને આજે સ્વદેશ પરત આવશે PM મોદી, ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે કરી મહત્વની ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 10:56:55
  • Views : 268
  • Modified Date : 2022-05-05 10:56:55

PM મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસ બાદ આજે સ્વદેશ ફરશે

PM મોદીએ ત્રણેય દેશોમાં ભારતીય પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી

જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના ટોચના નેતાઓ સાથે કરી બેઠક

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ પર હતાં. જે હવે ખતમ કરીને આજે તેઓ પરત સ્વદેશ આવવા રવાના થઈ ગયા છે. પેરિસમાં તેમના ટૂંકા રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા બાદ તેઓ બુધવારે (સ્થાનિક સમય) ભારત આવવા રવાના થયા હતા.

મેક્રોન સાથે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઇ

 

ફ્રાન્સમાં PM મોદીએ નવા ચૂંટાયેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. તેઓએ સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ સહકાર તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની શ્રેણી પર ચર્ચા કરી હતી. ફ્રાંસ જતા પહેલાં PM મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'મારી ફ્રાંસની મુલાકાત ટૂંકી હતી, પરંતુ તે ઘણી રીતે ઉપયોગી પણ હતી.' દરમિયાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે જુદાં-જુદાં વિષયો પર ચર્ચા કરવાની પણ મને તક મળી. હું તેમનો અને ફ્રેન્ચ સરકારનો આભાર માનું છું.'

 

જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના ટોચના નેતાઓ સાથે કરી બેઠક

પીએમ મોદીએ તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના ટોચના નેતાઓ સાથે ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી. તેમણે ત્રણેય દેશોમાં ભારતીય પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાને જર્મની અને ડેનમાર્કના બિઝનેસ નેતાઓ સાથે પણ વાતચીત કરી.

પીએમ મોદીએ ભારત-જર્મની આંતર સરકારી પરામર્શમાં પણ સામેલ થયા

 

પીએમ મોદી પોતાની યુરોપની મુલાકાતના ભાગરૂપે સોમવારે બર્લિન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 6ઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શમાં ભાગ લેતા પહેલાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. જ્યાર બાદ પીએમએ ટિપ્પણી કરી હતી કે, આંતર સરકારી પરામર્શ સાર્થક રહી. સમયગાળા દરમિયાન ભારત અને જર્મની વચ્ચે કુલ નવ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ પર સંયુક્ત ઘોષણાપણ સામેલ છે. જે અંતર્ગત જર્મની 2030 સુધીમાં ભારતને 10 બિલિયન યુરોની નવી અને વધારાની વિકાસ સહાય આપવા સંમત થયું હતું.

 

નાર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે કરી મુલાકાત

વડાપ્રધાન મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે કોપનહેગન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસેન સાથે વાતચીત કરી અને બંને દેશો વચ્ચે વેપાર અને પર્યાવરણીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન બંને દેશો વચ્ચે ઔપચારિક રીતે અનેક કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યાં. તેમની મુલાકાતના ત્રીજા દિવસે PM મોદીએ નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના વડાપ્રધાનો સાથે બીજી ભારત-નાર્ડિક સમિટમાં હાજરી આપી હતી.

 

Download Our B K News Today App



Related News