ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-17 14:26:10
  • Views : 83
  • Modified Date : 2026-02-17 14:26:10

ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ સ્મગલિંગ માટે સોફ્ટ ટાર્ગેટ ન બને તે માટે રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંકલનને કારણે મધદરિયે જ ડ્રગ્સ પકડી પાડવાના કિસ્સાઓ વધ્યા છે, જે સ્મગલરો માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે.

 

Download Our B K News Today App



Related News