કનૈયાને નો એન્ટ્રી, કોલેજના પ્રિન્સિપાલ-વિદ્યાર્થીનીઓએ રેલી માટે મંડપ નાંખવાની ના પાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 12:34:23
  • Views : 596
  • Modified Date : 2019-02-13 12:34:23

શહેરમાં બુધવારે સંવિધાન બચાવો સભા યોજાવાની છે. તે પહેલા સભા ક્યા સ્થળે કરવી તે મુદે ભારે વિવાદ થયો હતો. સૌ પ્રથમ સદગુરુ મહિલા કોલેજના મેદાનમાં મંડપ નાખવા માટે સામાન લઈને કેટલાક લોકો પહોંચ્યા હતા. આ અંગેની જાણ કોલેજના પ્રિન્સિપાલ ડો. અર્જુનસિંહ રાણાને થતાં તેઓ વિદ્યાર્થિનીઓ સાથે ત્યાં ધસી ગયા હતા અને મંડપ નાખવા આવનારાઓને ધક્કા મારીને તગેડી મૂક્યા હતા. ડો. રાણાએ જણાવ્યું હતું કે, બુધવારે જોબ પ્લેસમેન્ટ અને સ્પોર્ટસ ઈવેન્ટ રાખવામાં આવી છે. અમારી કોલેજે કોઈને મંજૂરી પણ આપી ન હતી. અને અચાનક જ કોઈને પૂછ્યા વિના મંડપ નાખવાની કાર્યવાહી શરૂ કરાતા તેનો વિરોધ કરીને લોકોને ત્યાંથી ધક્કા મારીને તગેડી મૂકવા પડ્યા હતા. આ બાબતની જાણ કલેકટર અને પોલીસ કમિશનરને ટેક્સ મેસેજથી પણ કરવામાં આવી હતી અને કોઈ ઘર્ષણ ન થાય તે માટેની તાકિદ કરવામાં આવી હતી. આમ કનૈયા, મેવાણી અને હાર્દિકની સભા યોજાઈ તે પહેલા જ મંડપ નાખવા બાબતે વિવાદ થયો હતો.

ઉપલેટાના યુવક મહાવીરસિંહ વાળાએ સંવિધાન રેલીના મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફોન કર્યો હતો. બંને વચ્ચે થયેલા સંવાદના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે. વાળાએ કહ્યું હતું કે, જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવનાર કનૈયાકુમાર સંવિધાન બચાવશે તેવું તમને લાગે છે? રાષ્ટ્ર વિરોધી માનસિક્તા ધરાવતા લોકોને બોલાવીને તમે તમારી પ્રતિષ્ઠા ખરડાવશો, કનૈયાને કાર્યક્રમમાં બોલાવવાનું ટાળી દો, અને જો બોલાવો તો તેની પાસે વન્દે માતરમ અને ભારત માતા કી જય બોલાવજો તે નહીં બોલે. રાજ્યગુરુએ જવાબ આપતા કહ્યું હતું કે, કનૈયા પર ભાજપે આરોપ લગાવ્યા છે અને કોર્ટે હજુ તે માન્ય રાખ્યા નથી. કનૈયા સ્પષ્ટ વક્તા અને રાષ્ટ્રહિતની વાતો પણ કરે છે અને કાર્યક્રમમાં તેની પાસે ભારત માતા કી જય બોલાવીશ.

સદગુરુ મહિલા કોલેજના મેદાનમાં મંડપ નાખવાની પેરવી કરાતા પ્રિન્સિપાલે રાત્રે દરવાજે તાળાં મારી દીધા હતા. બીજી બાજુ શહેરમાં રેલીના લગાવાયેલા પોસ્ટરમાં કનૈયાના ફોટા પર શાહી લગાવાઈ હતી અને અન્ય એક બેનર કોઈએ સળગાવી દીધું હતું. 


Download Our B K News Today App



Related News