બોડેલીમાં 22 ઈંચ વરસાદથી ઘરવખરી પાણીમાં તણાઈ, મહિલાઓએ કહ્યું: 'અમે રાતથી ભૂખ્યા, કોઈ જોવા આવ્યું નથી, મદદ કરો'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-11 13:17:37
  • Views : 292
  • Modified Date : 2022-07-11 13:17:37



લોકોનો અનાજ, ટીવી અને ફ્રીજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો

છોટાઉદેપુર જિલ્લામાં 5700 લોકોનું સ્થળાંતર, 369 લોકોને રેસ્ક્યૂ કરાયા

ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતાં આજે ટ્રેન સેવાઓ બંધ


છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી


રહ્યા છે. બોડેલીના રજાનગરના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, ટીવી અને ફ્રીજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. જેને પગલે લોકો તંત્ર પાસથી મદદથી રાહ જોઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 5700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામં આવ્યા છે. વડોદરાથી ફાયર બ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદ રોકાયો છે, પરંતુ અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટાપાયે નુકસાન થયું છે.


અમારી પાસે ખાવાની કંઇ વસ્તુ નથી
સ્થાનિક મહિલા ઉર્મિલાબેને જણાવ્યું હતું કે, પાણીમાં બધી વસ્તુઓ તણાઈ ગઈ છે. અમારી પાસે ખાવાની કંઇ વસ્તુ નથી. અમે રાતના ભૂખ્યા છીએ. સરકાર અમને કંઇક સહાય કરે. અમારી પાસે અનાજ કે કપડા નથી. અમને કોઈ જોવા નથી આવ્યું. અમે નાના-નાના બાળકો સાથે રસ્તા પર આવી ગયા છીએ. અમારા બાળકો પણ ભૂખ્યા છે.


સરકાર અમારી મદદ કરે
સ્થાનિક મહિલા રતનાબેને જણાવ્યું હતું કે, અમારું બહુ મોટુ નુકસાન થયું છે. ખાવા-પીવાનું, કપડા સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. અમારી એક માંગ છે કે, અમારી નુકસાનીની ભરપાઈ કરી કરી આપો. અન્ય એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, દર વખતે વોટ લેવા આવી જાય છે, અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે કોઈ જોવા આવે છે? અમારું અનાજ પાણીમાં પલળી ગયું છે. અમને સુવિધા કરી આપે તેવી અમારી સરકાર સમક્ષ માંગ છે.


5700 લોકોનું સ્થળાંતર કરાયું
છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમા પાણી ભરાયા હતાં. જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે.


છોટાઉદેપુરમાં પાણી ફરી વળતા અનેક ગામો કપાયા
બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોય NDRF અને પોલીસની ટીમોએ મળીને 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સોસાયટી, દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતા અનેક ગામો કપાયા હતા.


વાંટ અને બોડેલીનો સંપર્ક કપાયો
કવાંટમાં ધોધમાર 17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદ વરસતા નગરના માર્ગો નદીમાં ફેરવાયા હતા અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કવાંટના નસવાડી રોડ પર આવેલા ઘરોમાં પાણી ભરાયા અતિ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા કવાંટનો નસવાડી તેમજ બોડેલી સાથેનો સંપર્ક કપાયો હતો. પાવીજેતપુરમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નગરમાં તેમજ તાલુકાના ગામડાઓમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા


આગામી 5 દિવસ મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં અત્યારે મોનસૂન એક્ટિવ છે જેના પગલે રાજ્યભરમાં 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ ઓડિશા નજીક ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગળ વધતા તેની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેની સાથે ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જુનાગઢ, તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


Download Our B K News Today App



Related News