ચીનના સૈનિકોના દુઃસાહસ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહનો હુંકાર

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:18:54
  • Views : 473
  • Modified Date : 2022-12-14 17:18:54

ત્રણ દિવસ અગાઉ અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતાં ચીનના સૈનિકોના દુઃસાહસ અંગે પ્રતિક્રિયા આપતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત સાહે કહ્યું હતું કે જ્યાં સુધી દેશના વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી દેશની એક ઇંચ ઉપર પણ કોઇ કબ્જો કરી શકે તેમ નથી. ભારતીય સૈનિકોના શૌર્યને બિરદાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે ભારતના સૈનિકોએ જે બહાદૂરીનું પ્રદર્શન કર્યું હતું તેના જેટલા વખાણ કરો એટલા ઓછા છે, કેમ કે તેઓએ આપણી માતૃભૂમિની જમીન બચાવી હતી.

આ અગાઉ અરૂણાચલ પ્રદેશના તમાંગ ક્ષેત્રમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર ઘુસણખોરી કરવાના ચીનના સૈનિકોના નિષ્ફળ પ્રયાસના મુદ્દે વિરોધપક્ષોએ સંસદના બંને ગૃહોમાં સરકાર ઉપર પસ્તાળ પાડી હતી. જો કે સોમવારે ભારતીય લશ્કરના પ્રવક્તાએ સત્તાવાર અખબારી યાદી બહાર પાડીને કહ્યું હતું કે ચીનના સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં બંને પક્ષોના સૈનિકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. યાદ રહે કે જૂન-2020 બાદ અરૂણાચલ પ્રદેશમાં આવેલી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાનો ચીનના સૈનિકોનો આ પ્રથમ પ્રયાસ હતો. દૂન 2020માં લદાખમાં આવેલી ભારતીય સરહદે ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય લશ્કરના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અલબત્ત તે ઘટનામાં ભારતના 20 સૈનિકો શહીદ થઇ ગયા હતા જ્યારે ચીનના પક્ષે સૈનિકોની ભારે ખુવારી થઇ હતી.

આ પ્રસંગે કોંગ્રેસની ઝાટકણી કાઢતા અમિત શાહે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના સૈનિકો સાથે હિંસક અથડામણ થઇ ત્યારે ચીનના રાજદૂતને કોણ ડીનર પાર્ટી આપી રહ્યું હતું.?તેમણે કોંગ્રેસ ઉપર વધુ આક્ષેપ કરતાં કહ્યું હતું કે 2006માં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ ચીને અરૂણાચલ પ્રદેશની હજારો હેક્ટર જમીન ઉપર પોતાનો કબ્જો જમાવી દીધો હતો. ગૃહમંત્રીએ કોંગ્રેસની ચીન તરફી નીતિની આલોચના કરતાં કહ્યું હતું કે 2010માં ચીને જમ્મુ-કાશ્મીરના લોકો માટે પેપર વીઝાનું આયોજન કર્યું હતું.

Download Our B K News Today App



Related News