ઉદ્ધવ એકલા, સેના શિંદે સાથે : ધારાસભ્યો બાદ હવે શિવસેનાના 8થી 9 સાંસદ નારાજ થયા, પાર્ટી નહીં ઉદ્ધવનો સાથ છોડી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:57:29
  • Views : 253
  • Modified Date : 2022-06-23 11:57:29

ઉદ્ધવ એકલા, સેના શિંદે સાથે : ધારાસભ્યો બાદ હવે શિવસેનાના 8થી 9 સાંસદ નારાજ થયા, પાર્ટી નહીં ઉદ્ધવનો સાથ છોડી શકે છે

ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ શિવસેના હવે તૂટવાના કગાર પર ઊભી છે. જનતા માટે એક ભાવનાત્મક સંદેશ જારી કરીને સીએમ ઉદ્ધવ ઠાકરે હવે તેમના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે વર્ષા બંગલા પરથી તેમનો તમામ સામાન લઈને માતોશ્રી પહોંચી ગયા છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે ધારાસભ્યોની જેમ શિવસેનાના 19 સાંસદમાંથી લગભગ 8-9 સાંસદ પણ ઉદ્ધવનો સાથ છોડી શકે છે. જોકે પક્ષપલટાવિરોધી કાયદાને કારણે શિવસેનામાં રહેવું તેમની મજબૂરી હશે.

CM ઉદ્ધવના નજીકના એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આમાંના મોટા ભાગના સાંસદો કોંકણ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના છે, જેમાં વાશિમના શિવસેના સાંસદ ભાવના ગવલીનું નામ સૌથી મોખરે હોવાનું કહેવાય છે. તેમણે એકનાથ શિંદેના સમર્થનમાં પત્ર લખીને ઉદ્ધવને બળવાખોર ધારાસભ્યોની માગ પર વિચાર કરવા અને આ નેતાઓ સામે કાર્યવાહી ન કરવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સત્તાપરિવર્તનની રાહ જોઈ રહ્યા છે અને શિંદેને શિવસેનાની સંપૂર્ણ કમાન્ડ મળતાં જ તેઓ ઉદ્ધવથી અલગ ઊભા થઈ જશે. આ સિવાય કેટલાંક અન્ય નામો છે, જે આજે સામે આવી શકે છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, થાણે લોકસભાના સાંસદ રાજન વિચારે અને નાગપુરના રામટેકના સાંસદ કૃપાલ તુમાને પણ પાર્ટીથી નારાજ છે.

ગવલીએ બળવાખોરો પર કાર્યવાહી ન કરવા કહ્યું
શિવસેનાનાં સાંસદ ભાવના ગવલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે 'હિંદુત્વના પક્ષમાં બળવાખોર ધારાસભ્યોની માગ પર વિચાર કરવો જોઈએ. તેમણે સીએમને બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી ન કરવા પણ અપીલ કરી છે. જોકે ઉદ્ધવ સમર્થિત નેતાઓનું કહેવું છે કે ભાવના વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. ED દ્વારા તેમને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. ગવલી સામે મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. આ ટ્રસ્ટમાં મની લોન્ડરિંગનો મામલો ઘણો જૂનો છે.

આ સાંસદો કાર્યકરોની અવગણનાથી નારાજ છે
અન્ય કેટલાકમાં થાણેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ સામેલ છે. મરાઠવાડા સાથે કેટલાક સાંસદો ઉદ્ધવના નિર્ણયોથી નારાજ છે. તેમનું કહેવું છે કે લોકસભામાં 19 સાંસદ સાથે મજબૂત સ્થિતિમાં ઊભા રહેવા છતાં ઉદ્ધવ માત્ર મુંબઈ પૂરતા જ સીમિત રહ્યા છે અને અનેક વખત કહેવા છતાં તેમની સાથે જોડાયેલા કાર્યકરોની પાર્ટીમાં સતત ઉપેક્ષા થઈ રહી છે.

આ સાંસદો શિવસેના નહીં, પણ ઉદ્ધવથી અલગ થશે
પક્ષપલટાવિરોધી કાયદો એક વિરોધી કાયદો છે, જે ધારાસભ્યો અથવા સાંસદોને પક્ષ બદલવાથી અટકાવે છે. વાસ્તવમાં જો ધારાસભ્ય ચૂંટણી પહેલાં પક્ષ બદલે તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તે એક પક્ષમાંથી જીત્યા પછી આમ કરે છે તો તેમણે પહેલા લોકસભામાંથી રાજીનામું આપવું પડશે અને તેમની બેઠક પર ફરીથી ચૂંટણી યોજાશે.

આ નિયમને કારણે ચૂંટણીની જરૂર નહીં પડે!
આ કાયદામાં એવી પણ જોગવાઈ છે, જે અંતર્ગત જો પાર્ટીના 2/3 સાંસદો એકસાથે પાર્ટી છોડી દે તો તેમને રાજીનામું આપવાની કોઈ જરૂર નહીં પડે અને તેમની સીટ પર ચૂંટણી યોજવામાં આવશે નહીં અને આ દરમિયાન તેઓ જે પણ પક્ષને સમર્થન આપશે તેની સરકાર કોઈપણ મુશ્કેલી વિના સત્તામાં આવશે. જોકે સાંસદોની સ્થિતિ મહારાષ્ટ્ર વિધાનસભાને અસર કરશે નહીં.

સાંસદો પાર્ટી બદલવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી પર અસર થશે
રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં દરેક સાંસદના વોટનું મૂલ્ય ઘટીને 700 થઈ ગયું છે, જેનું કારણે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા નહીં હોવાનું છે. આવી સ્થિતિમાં જો શિંદે જૂથ પાસે વધુ સાંસદો હોય અને તેઓ શિવસેનાના વાસ્તવિક ઉત્તરાધિકારી બને તો તેનું નુકસાન વિપક્ષને સહન કરવું પડી શકે છે.

 

Download Our B K News Today App



Related News