નાઇટ પાર્ટીમાં પકડાયા બાદ હૃતિકની પૂર્વ પત્ની સુઝાનની ચોખવટ, ધરપકડના સમાચારોને ખોટા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 14:55:33
  • Views : 372
  • Modified Date : 2020-12-23 14:55:33

    મુંબઈ નાઇટ કર્ફ્યૂ દરમિયાન પોલીસે JW મેરિયોટ હોટલમાં દરોડા પાડીને સિંગર ગુરુ રંધાવા, સુઝાન ખાન (હૃતિકની પૂર્વ પત્ની), ક્રિકેટર સુરેશ રૈનાની ધરપકડ કરી હોવાનું ચર્ચાતું હતું. મુંબઈમાં એરપોર્ટ નજીક નાઇટ પાર્ટી માટે જાણીતી અંધેરીની ડ્રેગન ફ્લાઇ ક્લબમાં દરોડા પાડી કોરોના નિયમોનો ભંગ કરવા બદલ 34 લોકોની ધરપકડ કરીને પછી તેમને જામીન પર છોડી મુકાયા હતા. જોકે હવે સુઝાન ખાને આ અંગે સ્પષ્ટતા આપી છે. તેણે પોલીસે અરેસ્ટ કરી હોવાના સમાચારને પાયાવિહોણા અને ખોટા કહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુઝાન ખાન ક્લબમાં જતાં પહેલાં કરિશ્મા તન્નાની બાંદ્રા સ્થિત બર્થડે પાર્ટીમાં આવી હતી. અહીં ગુરુ રંધાવા પણ આવ્યો હતો.

    સુઝાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને એ રાત્રે શું બન્યું એ અંગે વિગતે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'ગઈ રાત્રિએ હું મારી એક નિકટનાં મિત્રના બર્થડે ડિનરમાં હતી. અમે કેટલાક લોકો ત્યાંથી JW મેરિયોટના ડ્રેગન ફ્લાઈ ક્લબમાં આવ્યાં હતાં. રાત્રે અઢી વાગે ઓથોરિટી ક્લબમાં આવી હતી. ક્લબ મેનેજમેન્ટ તથા ઓથોરિટીની વચ્ચે વાતચીત થઈ હતી. અન્ય ગેસ્ટ્સને ત્રણ કલાક સુધી રોકાવાનું કહ્યું હતું. અમને સવારના છ વાગે જવાની પરમિશન આપવામાં આવી હતી, આથી જ મીડિયામાં કેટલાક લોકો એમ કરી રહ્યા છે કે અરેસ્ટ કરવામાં આવ્યા, એ સમાચાર તદ્દન ખોટા અને બેજવાબદારભર્યા છે.'વધુમાં, સુઝાને કહ્યું હતું, 'મને ખબર નથી કે અમને કેમ રોકવામાં આવ્યા હતા અને ઓથોરિટીઝ-ક્લબની વચ્ચે શું સમસ્યા સર્જાઈ હતી? મારું આ નિવેદન રેકોર્ડમાં લઈ શકાય છે. મુંબઈ પોલીસ માટે મારા દિલમાં ઘણું જ માન છે. મુંબઈના લોકોને સુરક્ષિત રાખવા માટે પોલીસ જે પણ કરે છે તેમના માટે, તેમનો આભાર. લોકોના હિતમાં કરવામાં આવતી તેમની સતત દેખરેખ વગર આપણે સુરક્ષિત હોવાનું અનુભવી શકીએ નહીં. આભાર- સુઝાન.'

    સુઝાન ઉપરાંત ગુરુ રંધાવાએ પણ ધરપકડ અંગે નિવેદન આપ્યું હતું. તેણે માફી માગી હતી. ગુરુ રંધાવાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે સવારે દિલ્હી જવાનો હતો, પરંતુ એ પહેલાં તેણે રાત્રે મિત્રો સાથે મુંબઈમાં ડિનર કર્યું હતું. રાતમાં થયેલી આ ભૂલ માટે તે ક્ષમા માગે છે. કમનસીબે તેને સ્થાનિક તંત્રના નિયમોની સહેજ પણ ખબર નહોતી. તેને કર્ફ્યૂ હોવાની જાણ નહોતી. તે સરકારના દરેક નિયમોનું સન્માન કરે છે, સાથે જ વચન આપે છે કે ભવિષ્યમાં તે સરકારના તમામ પ્રોટોકોલ્સ તથા કોરોના ગાઈડલાઈન્સનું સારી રીતે પાલન કરશે. તે દેશનો નાગરિક છે અને ભવિષ્યમાં પણ આ જ નાગરિક ધર્મ પાળવા માટે પ્રતિબદ્ધ છે.

    પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, જેડબ્લ્યુ મેરિયોટમાં ડ્રેગન ફ્લાઇ ક્લબ પર ડીસીપી જૈન, પીઆઈ યાદવની ટીમે દરોડો પાડ્યો હતો. રાજ્યમાં હજુ પણ લોકડાઉનના નિયમો ચાલુ છે. આ નિયમો અંતર્ગત રાત્રે 11 વાગ્યા પછી કોઈપણ પ્રકારની પાર્ટી અથવા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. આ પાર્ટીમાં દિલ્હીના 19 લોકો હતા. અન્ય લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના હતા. તેમાંના મોટા ભાગના લોકોએ દારૂ પીધો હતો.

    ઘણી સેલિબ્રિટીએ કહ્યું હતું કે તેમણે કોરોના પ્રોટોકોલનો ખ્યાલ નહોતો. સુરેશ રૈનાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તે મુંબઈમાં શૂટિંગ અર્થે આવ્યો હતો. મોડી રાત સુધી શૂટિંગ ચાલ્યું અને પછી મિત્રના નિમંત્રણ પર ડિનર માટે ગયો હતો. તે બીજા દિવસે દિલ્હી જવાનો હતો. તેને સ્થાનિક જગ્યાના પ્રોટોકોલ્સ તથા ટાઈમિંગ અંગેની કોઈ માહિતી નહોતી. જ્યારે તે નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાયો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. પછી તરત જ તેણે નિયમો માન્યા અને પોલીસની માફી પણ માગી. સરકારના તમામ નિયમોને તે ગંભીરતાથી લે છે અને ભવિષ્યમાં પણ તમામ નિયમોને ફોલો કરતો રહેશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138