છેલ્લી ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવેલા મુસાફરોને ટર્મિનલ પર જ રોકી RTPCR ટેસ્ટ શરૂ કરાયા, પરિવારે કહ્યું, એરપોર્ટ બહાર હજુ 6 કલાક બેસવું પડશે,અમે રાહ જોઈશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 12:43:36
  • Views : 435
  • Modified Date : 2020-12-22 12:43:36

    કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં એ વધુ ઘાતક બન્યો છે, જેને પગલે ભારતથી લંડન જતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યા હતા. લંડનથી અમદાવાદ આવી રહેલા જમાઈ અને વેવાણને લેવા આવેલા મણિનગરના રહેવાસી શરદ ઉપાધ્યાય સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, અમે સવારથી આખો પરિવાર ચા- કોફી લઈને આવ્યા હતા. હવે અહીંયા 6થી 8 કલાક જેટલો સમય બેસવું પડશે. અમે રાહ જોઈશું.


    ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને DDOની ટીમ PPE કિટ સાથે એરપોર્ટ પર હાજર છે. સરકારના આદેશ મુજબ આ ફ્લાઈટમાં આવનારા તમામ 246 પેસેન્જરોને એરપોર્ટ ટર્મિનલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવશે. લંડનથી આવનારા તમામ પેસેન્જરોને લેવા માટે તેમના સંબંધીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. લોકો તેમનાં પરિવારજનોને ટેસ્ટ કર્યા બાદ બહાર આવવા દેશે, એની જાણ છતાં આવી પહોંચ્યા છે.ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર 70 ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે ઈંગ્લેન્ડથી આવનારી તમામ ફ્લાઈટોને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે ફ્લાઈટથી 22 ડિસેમ્બરની રાતે ઈંગ્લેન્ડથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ થશે. જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટાઈનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની ઈમરજન્સી બેઠકમાં આ માહિતી અપાઈ હતી. ઈંગ્લેન્ડ ઉપરાંત કોરોના વાઈરસના આ નવા પ્રકારનો ચેપ નેધરલેન્ડ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ મળી આવ્યો છે. નેધરલેન્ડ અને બેલ્જિયમે પણ ઈંગ્લેન્ડથી આવનારી ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે. અનેક અન્ય દેશો પણ ઈંગ્લેન્ડની ફ્લાઇટો પર રોક લગાવવાની તૈયારીમાં છે. યુરોપના અનેક દેશોએ ઈંગ્લેન્ડ સાથેની સરહદો સીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા પ્રકારથી ગભરાવાની જરૂર નથી. સરકાર તેને લઈને એલર્ટ છે.



Download Our B K News Today App



Related News