હું ભલો ને મારી ઍક્ટિંગ ભલી :નવાઝુદ્દીન સિદ્દિકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:41:40
  • Views : 494
  • Modified Date : 2019-04-05 11:41:40


પોતાના અભિનયના જોરે લોકપ્રિયતા મેળવનાર કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણા સંઘર્ષ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અનોખું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગરીબીમાં ઊછરેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના જીવનમાં અત્યાર સુધી સેંકડો નાટક અને ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦માં ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરથી મુંબઇ ફિલ્મોમાં કરિયર બનાવવા આવેલા નવાઝને પૈસાની ખૂબ જ તંગી હતી, છતાં
પણ અભિનેતા બનવા તે સમયે ફોટોશૂટ કરીને
પોર્ટફોલિયો બનાવવો જરૂરી ગણાતો હતો. પૈસા ન હોવા છતાં પણ નવાઝે અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા માટે પોર્ટફોલિયો બનાવ્યો હતો. તે વખતનો અનુભવ વ્યક્ત કરતાં અને યાદો તાજી કરતાં નવાઝ કહે છે કે, ‘મને આજે પણ યાદ છે તે વખતે મેં જુહુમાં આવેલા હરે રામા હરે કૃષ્ણ મંદર નજીક એક ફોટોગ્રાફર પાસેથી પોર્ટફોલિયો બનાવ્યો, પણ મુંબઇ આવ્યાના બે વર્ષ બાદ. તે સમયે
રૂ. ૬,૦૦૦ આપીને મેં પોર્ટફોલિયો બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે મારે આજ સુધી કોઇને પોર્ટફોલિયો દેખાડવાની જરૂર પડી નથી. તેનાથી પણ વિશેષ વાત એ છે કે મેં ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું કે મને ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો મોકો મળશે. જ્યારે હું આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ગેટ વે આૅફ ઇન્ડિયામાં હાજર તમામ ફોટોગ્રાફરને મળ્યો હતો. ઉપરાંત મેં તેનું નિરીક્ષણ પણ કર્યુ હતું. સવારના સમયે સારા અને સાફ કપડાં પહેરીને પૂરા જોશ સાથે તેઓપોતાના કામે ચડી જાય છે. ફોટો પાડીને તેમની પાસે હાજર એક મશીનમાંથી કેવી રીતે તે ફોટાને પ્રિન્ટ કરે છે તે બધુ જ જોઇને હું શીખ્યો હતો. બપોરનો તાપ થતાં તેમની એનર્જી ડાઉન થઇ જાય છે. આ વાત મેં મારી આ ફિલ્મમાં નાંખવાની કોશિશ કરી હતી.’
બાળપણમાં ખૂબ જ ગરીબી હોવાને લીધે નવાઝે તેના ગામમાં ક્યારેય ફોટો આલબમ તૈયાર કર્યું નહોતું. આ વિશે નવાઝે એક ઇન્ટરવ્યૂમાં વિસ્તારપૂર્વક વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલી ગરીબી હતી કે મને ફોટો આલ્બમ કેવું હોય તે પણ નહોતી ખબર. પણ હા, નાનપણમાં અમે સાત ભાઇ અને એક બહેન અમને બધાને મમ્મી એકસાથે મેળામાં લઇ ગઇ હતી. ત્યાં એક જગ્યાએ ફોટો
પાડતા હતા. ત્યાંલાકડાનો ચાંદ અને એકબાજુ બાઇક બનાવીને મૂક્યા હતા. પરિવાર સહિત અમે તે મેળામાં ગયા હતા, ત્યારે અમે પણ ચાંદામામાની તરફ જોઇને એક તસવીર પડાવી હતી. લાકડાના આ ચાંદ પર બેસવાની સુવિધા હતી. અમારી મમ્મી અને બહેન તે ચાંદ પર બેસી ગયાં અને અમે સાત ભાઇઓ તેમની આસપાસ ઊભા રહી ગયા હતા. ઉપરાંત ચાંદની પાછળ એક કપડાંથી બનાવેલો પડદો હતો, જેમાં કાગળના નાના તારાઓ ચિપકાવેલા હતાં. ફક્ત આ એક જ યાદ છે મારા બાળપણની જે વખતે મેં પહેલી વાર ફોટો પડાવ્યો હતો.’
નવાઝુદ્દીન સિદ્દીકી તેની કારકિર્દી વિશે વાત કરતાં કહે છે કે, ‘મારા જીવનમાં મેં ૨૦૦થી વધુ નાટક એટલે કે ૨૦૦ વિવિધ
પાત્રોને રંગમંચ પર ભજવ્યા છે. જ્યારે મારી પાસે કંઇ કામ નહોતું ત્યારે મેં ૩,૦૦૦ કરતાં વધુ લોકોનું નિરીક્ષણ કર્યું હતું તેથી મને ખબર છે કે ક્યાં કેવી પરિસ્થિતિમાં કઇ રીતનું વર્તન કરવું જોઇએ. હું મારા જીવનના ૧૦૦ વર્ષ સુધી અભિનય કરીશ તો પણ જૂનો લાગીશ જ નહીં. મારી પાસે લોકોને મનોરંજન આપવા માટે ભરપૂર મસાલો ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા મેં ‘ઠાકરે’ ફિલ્મ કરી હતી, તે મારા જીવનની ખૂબ જ સારી ફિલ્મ સાબિત થઇ હતી. મેં બાળાસાહેબ ઠાકરેનું પાત્ર ભજવ્યું હતું અને તેની સાથે સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળવાની આશા રાખી હતી, જે દરેક અભિનેતા કરતો હોય છે, પણ મીનાતાઇ ઠાકરેના એક સંબંધી જે બાળાસાહેબના ખૂબ જ ખાસ હતા, તેમણે પણ મારા કામના વખાણ કર્યા હતા. તે સાંભળીને મને અનહદ ખુશી થઇ અને મારા અંદાજ કરતાં પણ ‘ઠાકરે’ ફિલ્મ વધુ સારું પ્રદર્શન કરી શકી હતી. અત્યારે ઘણા કલાકારો અભિનયની સાથે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પોતાને અજમાવવાની કોશિશ કરતાં હોય છે, જેથી તેઓ પોતાની આવક વધારી શકે, પણ મારે એવાકોઇ ક્ષેત્રમાં જવું નથી. હું ભલો ને મારી ઍક્ટિંગ ભલી!’ નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મોની સાથે વૅબ સીરિઝમાં પણ કામ કરી રહ્યો છે. સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સાથેની વૅબ સિરીઝ ‘સેક્રેડ ગેમ’માં નવાઝે ગણેશ ગાયતોંડેનું પાત્ર ભજવ્યું હતું અને તે હાલની તારીખમાં પણ લોકપ્રિય છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139