આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, નવીન બાબુએ ખૂબ સારુ કામ કર્યું. વાવાઝોડા દરમિયાન ઓરિસ્સાના લોકોએ ખૂબ સમજદારી દાખવી. તેના કારણે ઓછી જાનહાની થઈ. મેં નુકસાનનો અંદાજ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર દરેક પગલે ઓરિસ્સાની સાથે છે. કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1,000 કરોડની તાત્કાલિક મદદની જાહેરાત કરવામાં આવી છે.
ઓરિસ્સામાં બે દિવસ પહેલાં આવેલા ચક્રવાતી વાવાઝોડાં ફેનીના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કુલ 34 લોકોના મોત થયા છે. આ વાવાઝોડાંના કારણે ઘણું નુકસાન થયું છે. હજારો લોકોને પાણી અને વીજળીની પૂરતી વ્યવસ્થા હજુ સુધી મળી શકી નથી.
24 કલાકમાં 13.41 લાખ લોકોનું સ્થળાંતર કરાયું, 1.08 કરોડ લોકો પ્રભાવિત: અધિકારીએ કહ્યું કે ચક્રવાતથી 11 જિલ્લાના 14,835 ગામના 1.08 કરોડ લોકો પ્રભાવિત થયા છે. વાવાઝોડાં પહેલાંના 24 કલાકમાં 13.41 લાખ લોકોનું સ્થળાંતર કરાયુ હતું.
સીએમ નવીન પટનાયકે વાવાઝોડાથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું છે કે, પુરીમાં ખૂબ વધારે નુકસાન થયું છે. અહીં સૌથી વધુ પ્રભાવિત ખુર્દા જિલ્લાના પરિવારોને ફૂડ સેફ્ટી લો (એફએસએ) કાયદા હેઠળ 50 કિલો ચોખા અને રૂ. 2000 રોકડા આપવામાં આવશે. જ્યારે કટક, કેન્દ્રપાડા અને જગતસિંહપુર વિસ્તાર મધ્યમ રીતે પ્રભાવિત જિલ્લા છે. તેથી ત્યાં પરિવારોને એક મહિનાના ચોખા અને રૂ. 500 રોકડા અપાશે.
ઘણાં વિસ્તારોમાં પાણી-વીજળી પૂરવઠો ખોરવાયો: સીએમએ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત ઘર માટે રૂ. 95,100ની મદદ, આંશિક રીતે ક્ષતિગ્રસ્ત ઘર માટે 52,000 અને સામાન્ય ક્ષતિ થઈ હોય તે માટે રૂ. 3,200ની આર્થિક મદદ જાહેર કરી છે. સીએમ નવીન પટનાયકે દાવો કર્યો છે કે, સૌથી વધુ પ્રભાવિત પુરીમાં 70 ટકા અને પાટનગર ભુવનેશ્વરમાં 40 ટકા જળ-વીજળી પુરવઠો ખોરવાયો છે.
પુરીમાં સૌથી વધુ 21ના મોત: મુખ્યમંત્રીએ હજી જે વિસ્તારોમાં વીજળી ખોરવાઈ છે તે વિસ્તારોની મુલાકાત લીધી નથી. રાજ્યના મુખ્ય સચિવ એપી પાઢીના જણાવ્યા પ્રમાણે 34માંથી 21 લોકોના મોત પુરીમાં થયા છે.



