મિગ-21 ફાઇટર પ્લેન ઉડાડી ઈતિહાસ રચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 17:45:08
  • Views : 462
  • Modified Date : 2019-05-26 17:45:08

હવે કોઈ ક્ષેત્ર પર માત્ર પુરુષોનો દબદબો રહ્યો નથી. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. તાજેતરમાં જ લેફ્ટનન્ટ ભાવના કંઠે યુદ્ધ મિશનમાં સામેલ થવાની યોગ્યતા પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનીને ઈતિહાસ રચી દીધો છે. ભાવના કંઠે દિવસે લડાકુ વિમાન મિગ-21 ઉડાડીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મિગ-21 દુનિયાનું સૌથી ઝડપી લેન્ડ કરતું અને ટેકઓફ કરતું ફાઇટર પ્લેન મનાય છે.25 વર્ષીય ભાવના દરભંગાના ઘનશ્યામપુરના બાઉર ગામની રહેવાસી છે. હાલ તેનો પરિવાર દરભંગા શહેરના ભેરવપટ્ટી બેંકર્સ કોલોનીમાં રહે છે. ભાવના કંઠ પરિવારની સૌથી મોટી પુત્રી છે, તેના પિતા તેજ નારાયણ ઈન્ડિયન ઓઈલ રિફાઇનરી મથુરામાં કાર્યરત છે. ભાવનાએ વર્ષ 2009માં ડીએવી સ્કૂલ બરૌની રિફાયનરી, બેગૂસરાયથી પોતાના 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. તેણે વર્ષ 2014માં બેંગલુરુની બીએમએસ કોલેજથી બીટેક કર્યું અને વર્ષ 2015માં ભાવનાનું ઈન્ડિયન એરફોર્સમાં સિલેક્શન થયું. બાળપણથી જ તેનું સપનું ફાઈટર પાયલટ બનવાનું હતું. જોકે, આ કામ સામાન્ય રીતે પુરુષો કરતા આવ્યા છે. પરંતુ ભાવનાને તેનું સપનું પૂરું કરવામાં પરિવારજનોએ સંપૂર્ણ ટેકો આપ્યો.જેટ ફાઇટર પ્લેનની ગતિ બહુ ઝડપી હોય છે અને અત્યાર સુધી આ પ્લેન મહિલાઓને ઉડાડવાની મંજૂરી નહોતી. પરંતુ ભાવના કંઠે આ પ્લેન એકલી ઉડાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. એટલે કે હવે ભાવના આ ફાઇટર પ્લેન લઇને યુદ્ધ પર જઈ શકે છે. ભાવના નવેમ્બર 2017માં ફાઇટર સ્ક્વોડ્રનમાં સામેલ થઈ હતી ગયા વર્ષે માર્ચમાં મિગ-21 બાઇસન પર પહેલીવાર એકલી ઉડાન ભરી હતી. ઉત્સાહ, મહેનત અને દૃઢતાથી ભાવના આ સફળતા પ્રાપ્ત કરનારી એરફોર્સની પ્રથમ મહિલા અધિકારીની બની ગઈ છે.ભાવના એરફોર્સની ફીમેલ પાઇલટ્સની પ્રથમ બેચમાંથી છે. 'ઓપરેશનલ બાય ડે' જાહેર કરવા માટે એક પાઇલટે તેનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે છે, જે તેને દિવસ દરમિયાન ફાઇટર પ્લેન ઉડાડવા માટે ફિટ જાહેર કરે છે. ભાવનાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે અને હવે તેનો ધ્યેય રાત્રિનું પ્રશિક્ષણ પૂરું કરવાનો છે. ત્યારબાદ તેને રાત્રી અભિયાનની પણ મંજૂરી આપવામાં આવશે. ભાવના હાલ બિકાનેર સ્થિત નાલ બેઝ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ તે યુદ્ધ ભૂમિ પર ફાઇટર પ્લેન ઉડાડતી જોવા મળે તો નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News