અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું લોકાર્પણ થશે

  • Published By :
  • Published Date : 2022-09-28 13:39:08
  • Views : 239
  • Modified Date : 2022-09-28 13:39:08

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'લતાદીદીની આજે જન્મજયંતી છે. તેમની સાથે અઢળક વાતો કરી હતી. મને આનંદ છે કે આજે અયોધ્યામાં એક ચોક તેમનાં નામથી ઓળખાશે.'

ફેબ્રુઆરીમાં અવસાન
6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા હતા. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. 13 વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ 'ડોન્નો વાય'માં ગાયું હતું. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.

મુખ્યમંત્રી લોકાપર્ણ કરશે
આજે (28 સપ્ટેમ્બર) અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે લતા મંગેશકર ચોકનું લોકાપર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે રામકથા પાર્કમાં લતાદીદીના ચિત્રો મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીનો વીડિયો મેસેજ પણ સંભળાવવામાં આવશે.

વિશાળકાય વીણા
સરયુ કિનારે આવેલા નવા ઘાટમાં લતા મંગેશકર ચોકનું મુખ્ય આકર્ષણ વિશાળકાય વીણા છે. આ વીણાને પદ્મશ્રી રામ સુતારે બનાવી છે. આ વીણા પર માતા લક્ષ્મી તથા માતા સરસ્વતીની સાથે બે મોર પણ છે. વીણાની લંબાઈ 12 મીટર એટલે કે 40 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરના અવસાન બાદ મુખ્યમંત્રી યોગીએ આ ચોકને લતા મંગેશકરનું નામ આપવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી.


વીણાનું વજન 14 ટન
લતા મંગેશકર ચોક પર મૂકવામાં આવેલી વીણાની પહોળાઈ 10 ફૂટ તથા વજન 14 ટન છે. લતા મંગેશકર ચોકમાં લાઇટ તથા સાઉન્ડનો અદ્દભૂત સમન્વય જોવા મળશે. અહીંથી લતા મંગેશકરે ગાયેલા શ્રીરામના ભજન તથા વીણાની મધુર ધ્વનિ લોકોને સતત સંભળાતી રહેશે. આ વીણા નોઇડાથી અયોધ્યા ત્રણ દિવસમાં પહોંચી હતી અને વીણાને બનાવવાનો ખર્ચ 8 કરોડ રૂપિયા થયો છે.

એક મહિનામાં તૈયાર થઈ
વીણાને તૈયાર કરનાર કલાકાર અનિલ રામ સુતારે કહ્યું હતું કે આ વીણા બ્રાંસની બનાવવામાં આવેલી છે. એક મહિનામાં 70 કલાકારોએ આ વીણા તૈયાર કરી છે.

Download Our B K News Today App



Related News