GT નંબર વન રહેશે, પાંચ ટીમની આશા ખતમ, ત્રણ સ્થાન માટે ચાર ટીમમાં જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 12:19:28
  • Views : 429
  • Modified Date : 2022-05-18 12:19:28

 

ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં સ્થાન મેળવવા માટે હવે મળશે બે તક

ગુજરાતે અત્યાર સુધી રમેલી 13માંથી 10 મેચ જીતી લીધી હોવાથી તેના 20 પોઇન્ટ છે. આનો અર્થ એ થયો કે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં સ્થાન મેળવવા માટે હવે બે તક મળશે. રાજસ્થાન અને લખનૌના 13-13 મેચ બાદ 16-16 પોઇન્ટ છે. આઇપીએલ-2022માં સીએસકે કે મુંબઈ ઇન્ડિયન્સ પહેલાંથી જ બહાર થઈ ચૂકી છે. ત્રણ ટીમના 16 કે તેથી વધુ પોઇન્ટ્સ છે. આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ હારનારી ટીમ 16 પોઇન્ટ સુધી પહોંચી નહીં શકે. આ ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પણ વધુમાં વધુ 14-14 પોઇન્ટ સુધી પહોંચી શકે તેમ છે. આ સ્થિતિમાં આસીબીની ટીમ પોતાની અંતિમ મેચમાં 19 મેએ ગુજરાતને હરાવી દેશે તો આરસીબીના પણ 16 પોઇન્ટ થઈ જશે. એટલે કે અન્ય પાંચ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા ખતમ થઈ જશે.

 

દિલ્હી-પંજાબથી બધાને જોખમ

દિલ્હી અને પંજાબની બે-બે મેચ બાકી છે. આ બેમાંથી જો કોઈ ટીમ બંને મેચ જીતી જાય તો તેના 16 પોઇન્ટ થઈ જશે. આ સ્થિતિમાં રાજસ્થાન, લખનૌ અને આરસીબી સામે પડકાર ઊભો થશે. પંજાબને અંતિમ મેચ હૈદરાબાદ સામે, જ્યારે દિલ્હીને અંતિમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમવાની છે. જ્યારે આરસીબીની ટીમ જો અંતિમ મેચ હારી જશે તો તે 16 પોઇન્ટ સુધી પહોંચી નહીં શકે. એટલે કે આરસીબીની જ મેચ સૌથી મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે.

 

આરસીબી હારશે તો ખેલ ખતમ

જો આરસીબી પોતાની અંતિમ મેચ હારી જશે તો 14 પોઇન્ટવાળી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકશે. આના માટે રનરેટ બહુ જ મહત્ત્વનો બની રહેશે. આરસીબીનો નેટ રનરેટ હાલ માઇનસમાં છે. પરાજયથી વધુ નીચે જશે. એટલે કે પ્લેઓફમાં નહીં પહોંચી શકે. કેકેઆર પોતાની અંતિમ મેચમાં લખનૌ સામે ટકરાશે. બીજી તરફ રાજસ્થાન અને લખનૌ બંને અંતિમ મેચ જીતીને ટોપ-2માં રહેવા ઇચ્છશે, કારણ કે ટોપ-2માં રહે એ ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળે છે.

લીગ રાઉન્ડની અંતિમ મેચ 22 મેએ રમાશે

લીગ રાઉન્ડની હવે માત્ર સાત મેચ બાકી છે. 10 ટીમ હોવાથી આ વખતે કુલ 70 લીગ મેચ રમાવાની છે. લીગ રાઉન્ડની અંતિમ મેચ 22 મેએ રમાશે. નોકઆઉટ રાઉન્ડના મુકાબલા 24 મેથી શરૂ થશે. ફાઇનલ 29 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ‍વખતે આશા રાખવામાં આવી રહી છે કે આઇપીએલને એક નવી ચેમ્પિયન ટીમ મળી શકે છે. 2016માં લીગને નવી ચેમ્પિયન ટીમ મળી હતી. એ વર્ષે સનરાઇઝર્સે હૈદરાબાદે ટ્રોફી જીતી હતી. ટી-20 લીગની એક સિઝનમાં પહેલી વાર મુંબઈ અને સીએસકેની ટીમે 9-9 મેચ ગુમાવી છે.

 

Download Our B K News Today App



Related News