જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી પડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-06 13:19:17
  • Views : 52
  • Modified Date : 2026-02-06 13:19:17

જામનગર શહેરના દિગજામ રેલવે ઓવરબ્રિજ નીચે વર્ષોથી ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગયેલી ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટે આજે (છઠ્ઠી ફેબ્રુઆરી) વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, દિગજામ ઓવરબ્રિજની નીચે અને રેલવે લાઇનની બંને તરફ અંદાજે 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ ખડકી દેવામાં આવ્યા હતા. વિસ્તાર લાંબા સમયથી પોલીસ તંત્ર માટે માથાનો દુ: ખાવો બન્યો હતો. વિસ્તારમાં અનેક વખત દેશી દારૂની ભઠ્ઠીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, છતાં પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હતી. રેલવે ટ્રેકની એકદમ નજીક હોવાથી અહીં અકસ્માત અને સુરક્ષાનો મોટો ખતરો રહેતો હતો.

શુક્રવારે વહેલી સવારથી જામનગર શહેર પોલીસ અને રેલવે પોલીસના 300થી વધુ કર્મચારીઓ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યા હતા. કોઈપણ જાતના વિરોધ કે ઘર્ષણને પહોંચી વળવા માટે પોલીસ મક્કમ રહી હતી. અનેક જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે બાંધકામો અને ઝૂંપડાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. 

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ સુધી કામગીરી અવિરત ચાલુ રહેશે. રેલવે ટ્રેક આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી તેને સુરક્ષિત બનાવવામાં આવશે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપરાંત વિસ્તારમાં ફરીથી દબાણ થાય તે માટે સતત મોનિટરિંગ રાખશે અને અસામાજિક પ્રવૃત્તિઓનો જડમૂળથી સફાયો કરવામાં આવશે.

 


Download Our B K News Today App



Related News