એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ નુકસાનમાં, શરૂઆતના 6 મહિનામાં જ મલ્ટિપ્લેક્સને 2000 કરોડનું નુકસાન થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 12:54:26
  • Views : 362
  • Modified Date : 2021-03-24 12:54:26

    લૉકડાઉનનું સૌથી વધુ નુકસાન સહન કરનાર ઇન્ડસ્ટ્રીમાં એન્ટરટેઇનમેન્ટ સૌથી આગળ છે. ગયા વર્ષે દેશમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ થિયેટર 13 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આખા દેશમાં સૌથી પહેલા થિયેટર બંધ થયાં હતાં અને સૌથી છેલ્લે ઓપન થયાં હતાં. અનલૉક બાદ થોડી આશા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવી ગઈ છે. આ સમયે પણ સિનેમા ઉદ્યોગને કંઈક આશા છે. આ વર્ષે 43 ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ટ્રેડ વિશ્લેષકો માને છે કે આ ફિલ્મ બોલિવૂડને નુકસાનમાંથી બહાર લાવશે.

    દેશમાં મલ્ટિપ્લેક્સ કોન્સેપ્ટ લાવનાર સિનિયર ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે ભારતમાં 9600 સ્ક્રીન છે, જેમાં 3500 મલ્ટિપ્લેક્સ સ્ક્રીન છે. એવું નથી કે થિયેટર હંમેશાં નુકસાનમાં રહેશે, કારણ કે હાલમાં જે ફિલ્મની જાહેરાત થઈ છે એ એવી ફિલ્મ છે કે જેનાથી થિયેટરનું નુકસાન ભરપાઈ થઈ જશે. 2021માં માત્ર 43 ફિલ્મ આવશે. આ ફિલ્મ્સ અંગે થિયેટરમાલિકોને ઘણી જ આશા છે.

    હાલમાં જ કાર્નિવલ મલ્ટિપ્લેક્સે ઈન્દોરમાં ત્રણ સ્ક્રીનવાળું મલ્ટિપ્લેક્સ ઓપન કર્યું છે. કંપનીના વાઇસ- પ્રેસિડેન્ટ કુનાલ સાહનીએ કહ્યું હતું, 'માર્ચના અંત તથા એપ્રિલની શરૂઆતનો સમય ફિલ્મના બિઝનેસ માટે સારો માનવામાં આવે છે. આ સમયે જે પણ ફિલ્મ આવે એ અંદાજે 250 કરોડનો બિઝનેસ કરતી હોય છે, પરંતુ કોરોનાની બીજી લહરેને કારણે થિયેટર પર અસર પડી છે. જોકે અમને છતાંય વિશ્વાસ છે. બે મહિનાની અંદર જો દર્શકોનો સાથ મળ્યો તો થિયેટર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે.'

    2019ની વાત કરીએ તો બોલિવૂડની 6 ફિલ્મે 200થી 300 કરોડ વચ્ચેની કમાણી કરી હતી. માનવામાં આવતું હતું કે વર્ષ 2020 બોલિવૂડને આવકમાં નવી ઊંચાઈ પર લઈ જશે, પરંતુ 2020માં પહેલા બે મહિનામાં રિલીઝ થયેલી કુલ 40 ફિલ્મમાંથી 280 કરોડની કમાણી થઈ. કોરોનાકાળમાં ઈરફાન ખાનની 'અંગ્રેજી મીડિયમ' રિલીઝ થનારી છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મે 3 દિવસની અંદર માત્ર 10 કરોડની કમાણી કરી હતી.

    અંધકારભર્યા એક વર્ષ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે પૂરી એનર્જી સાથે કામ પર પરત ફરી છે અને ફરી પાટે ચઢવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું હતું, 'લૉકડાઉન તથા કોવિડ-19એ નવા માધ્યમને સ્થાન આપ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ એવું કન્ટેન્ટ ક્રિયેટ કરી શકાય છે, એ વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમજમાં આવ્યું. હવે દરેક માધ્યમ માટે બિઝનેસ તથા માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હોય છે. ડિજિટલ પ્લેટફોર્મ એક એવું માધ્યમ છે, જ્યાં ફિલ્મથી અલગ ફોર્મ્યુલા કામ કરે છે.

    થિયેટરમાં થોડીક ક્ષણોના અંધકાર બાદ દર્શકોના ચહેરા પર સ્ક્રીનથી આવતાં કિરણોથી અજવાળું છવાઈ જાય છે. આ જ અજવાળું સામાન્ય વ્યક્તિને પોતાની રોજગારીના સંઘર્ષના અંધકારની કેટલીક ક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ અજવાળું સામાન્ય વ્યક્તિને વારંવાર થિયેટરમાં લઈને આવે છે. જોકે આજે લૉકડાઉનને એક વર્ષ બાદ પણ સિનેમા ઉદ્યોગ પોતે એ આશા સેવી રહ્યો છે કે ક્યારેક તો એ અજવાળું દેખાશે. કદાચ આગામી ફિલ્મ આ અજવાળું લઈને આવે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140