UPમાં શિક્ષકે માર મારતા દલિત વિદ્યાર્થીનું મોત, પરીક્ષામાં એક શબ્દ ખોટો લખ્યો હતો

  • Published By :
  • Published Date : 2022-09-26 16:53:50
  • Views : 252
  • Modified Date : 2022-09-26 16:53:50

ઉત્તરપ્રદેશના ઔરૈયામાં એક દલિત વિદ્યાર્થીને એક શિક્ષકે એટલો માર માર્યો કે તે મોતને ભેટ્યો. જણાવવમાં આવી રહ્યું છે કે શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીઓની પરીક્ષાલીધી હતી. તેમાં દલિત વિદ્યાર્થી નિખિતે એક શબ્દ ખોટો લખ્યો હતો. આ બાબતે નારાજ થયેલા શિક્ષકે તેને લાકડી, લાતો વડે એટલો માર માર્યો કે તે બેભાન થઈ ગયો હતો. સારવાર દરમિયાન 18મા દિવસે તે મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ સોમવારે સ્કૂલ બંધ રાખવામાં આવી હતી. આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે, પોલીસ તેને શોધી રહી છે. શિક્ષકની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અછલ્દા પોલીસ સ્ટેશન વિસ્તારના ફંફુદ રોડની આદર્શ ઈન્ટર કોલેજમાં વૈશોલી ગામનો રહેવાસી નિખિત કુમાર (15 વર્ષ) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેના પિતા રાજુ દોહરાએ કહ્યું, 7 સપ્ટેમ્બરે સામાજિક વિજ્ઞાનના શિક્ષક અશ્વની સિંહે વર્ગમાં પરીક્ષા લીધી હતી. પરીક્ષા માટે મારા પુત્રએ ઘણી તૈયારીઓ કરી હતી. તે ભણવામાં મીડિયમ હતો. પરંતુ તેણે ટેસ્ટમાં કોઈ શબ્દ ખોટો લખ્યો હતો. આ જ વાતથી શિક્ષક અશ્વની સિંહે મારા પુત્રને વાળથી પકડીને લાતો, મુક્કા અને લાકડીથી એટલો માર્યો કે તે શાળામાં જ બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ કહ્યું, 'પુત્રના બેભાન થઈ જવા વિશે જાણ્યા પછી અમે શાળાએ પહોંચ્યા, તો પહેલા અમને ધમકી આપવામાં આવી હતી, જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે આચાર્યની દરમિયાનગીરી બાદ શિક્ષક અશ્વનીએ ઈટાવાની ખાનગી હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવવાની વાત કરી હતી. ત્યાં લગભગ 40 હજાર જેટલો ખર્ચ થયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે પુત્રને ઘણી આંતરિક ઇજાઓ થઇ હતી. જ્યારે પુત્રની હાલત વધુ બગડી તો ઇટાવાના ડોકટરોએ બે દિવસ પહેલા પુત્રને લખનઉ રીફર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ કહ્યું, 'જ્યારે અમે આ વાતની માહિતી અશ્વની સિંહને તેમના ઘરે જઈને જણાવી તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અમને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અમે રવિવારે ફરી પોલીસ સ્ટેશન ગયા. ત્યાં FIR દાખલ કરવામાં આવી હતી. અમે પુત્રને ઘરે લઈને આવ્યા હતા. સ્થિતિ જોઈને પોલીસે અમારા પુત્રને સૈફઈમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. જો કે મામલો ગંભીર હતો અને સમયસર સારવાર ન મળવાને કારણે સોમવારે સવારે મારા પુત્ર નિખિતનું મોત થયું હતું. બાળક નિખિતના મોતના સમાચાર મળતા જ શિક્ષક અશ્વની સિંહ ફરાર થઈ ગયો છે. આદર્શ ઈન્ટર કોલેજ બંધ છે. સાથે જ એક દલિત વિદ્યાર્થીના મોતના સમાચાર મળતાં જ ભીમ આર્મીના સભ્યો ગામમાં પહોંચી ગયા હતા. ગામમાં તણાવને જોતા ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News