કોલેજના છેલ્લાં દિવસે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 15:10:11
  • Views : 793
  • Modified Date : 2020-01-01 15:10:11

કોલેજના છેલ્લાં દિવસે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ને જીવનભરનો સંગાથ મળી ગયો

ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયુ છે અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો, વાલીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેજસ્વી વિદ્યાર્થીઓ શહેરની નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવીને શાળા તથા ગામનું નામ રોશન કરે તેવી શિક્ષકોની ઈચ્છા છે. શાળાનો સૌથી તેજસ્વી વિદ્યાર્થી એટલે ભવ્ય. ભવ્ય શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવે તે માટેની તમામ માહિતી શિક્ષકો દ્વારા તેના પિતાને આપવામાં આવી રહી છે અને ભવ્ય ની મહેનત તથા શિક્ષકોના માર્ગદર્શનથી તેને શહેરની નામાંકિત કોલેજમાં પ્રવેશ મળી જાય છે. ભવ્ય ભણવામાં ખુબ જ હોશિયાર વિદ્યાર્થી છે અને સાથે તે ઈતર પ્રવૃતિઓમાં પણ શાળામાં અવ્વલ આવતો હતો. કોલેજના પ્રથમ વર્ષથી જ ભવ્ય અભ્યાસ ઉપરાંત ની રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યો છે. ભવ્યને અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ જોરદાર ટક્કર આપી રહી છે તેના જ ક્લાસની વિદ્યાર્થીની નવ્યા. કોલેજમાં દરેક વિદ્યાર્થીઓ ભવ્ય અથવા તો નવ્યા ની જેમ અવ્વલ આવવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ કોઇ પણ વિદ્યાર્થી ભવ્ય કે નવ્યા ને હરાવી શકતા નથી.કોલેજની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં ભવ્ય પ્રથમ નંબરે તથા એક માર્ક્સ ઓછો આવવાથી નવ્યા દ્વિતીય નંબરે ઉતીર્ણ થાય છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય અને નવ્યાને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. બંને દ્વારા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને પહેલી વખત કોલેજ કેન્ટીનમાં સાથે નાસ્તો કરવા માટે જાય છે. ભવ્ય અને નવ્યા શરત લગાવે છે કે જેનો દ્વિતીય નંબર આવે તે પરિણામના દિવસે નાસ્તો કરાવશે. ભવ્યની શરત મુજબ નવ્યા દ્વિતીય નંબરે આવેલી હોવાથી નાસ્તો કરાવે છે અને કહે છે કે આ મારો છેલ્લી વખત નો નાસ્તો છે બાકી હવે તું જ દ્વિતીય નંબર પર આવીશ અને તારે નાસ્તો કરાવવો પડશે. ભવ્યએ કહ્યું કે હું દ્વિતીય નંબર પર આવીશ તો હું નાસ્તો કરાવીશ પરંતુ તારે પ્રથમ આવવા માટે ઘણી મહેનત કરવી પડશે. કોલેજમાં અભ્યાસ મા આવવા માટે ભવ્ય તથા નવ્યા વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી રહી છે પરંતુ બન્ને એક બીજાને મદદરૂપ પણ બની રહ્યા છે. બંને વચ્ચેની મૈત્રી ખુબ જ મજબૂત છે. દ્વિતીય સેમેસ્ટર પરીક્ષામાં નવ્યા ભવ્યને પાછળ રાખી પ્રથમ નંબરે આવવા માટે તનતોડ મહેનત કરી રહી છે તો બીજી બાજુ ભવ્ય પણ કોઈપણ ભોગે પીછેહટ કરવા તૈયાર નથી. પરીક્ષાના દિવસો નજીક આવતા નવ્યા ૧૨ થી ૧૪ કલાક સુધી દૈનિક વાંચન કરી રહી છે તો ભવ્ય પણ કલાકો સુધી વાંચન કરવાના બદલે જરૂરિયાત મુજબ આયોજન બદ્ધ રીતે વાંચન કરી રહ્યો છે. પરીક્ષા પૂર્વે અચાનક જ ભવ્ય નવ્યાને  કહે છે કે ચાલને આપણે શહેરમાં થોડી લટાર મારીએ. નવ્યા ભવ્યની વાત ને ટાળી શકતી નથી પરંતુ પ્રશ્ન કરે છે કે આજે અચાનક જ તને મને સાથે લઈને શહેરમાં લટાર મારવાનો વિચાર કેમ આવ્યો? ભવ્યએ કહ્યું કે, તું 

પરીક્ષા પૂર્વે કલાકો સુધી વાંચન કરી રહી છું અને સતત અભ્યાસમાં તારું મન પરોવાયેલું રહે છે. પરંતુ તને થોડો ચેન્જ મળે તે માટે મેં થોડું શહેરમાં ફરવા માટે કહ્યું. પરીક્ષાની ચિંતાથી મુક્ત બની ગયા નવ્યા ભવ્યનો હાથ પકડી શહેરમાં લટાર મારવા માટે નીકળે છે. કોલેજની પાસે નો બગીચો આવતા નવ્યા ત્યાં બેસીને શાંત ચિત્તે વાતો કરવાની કહે છે પરંતુ ભવ્ય કહે છે કે જો આપણે આ રીતે બગીચામાં બેસી છું તો પછી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પ્રેમના નામે તને બદનામ કરી શકે છે. આ સાંભળીને નવ્યા એ જણાવ્યું કે આપણે જાહેરમાં મળીએ તો બીજા કોઈની બીક રાખવાની કાંઈ જરૂર નથી આપણો સંબંધ કેવો છે તે હું સારી રીતે જાણું છું. એ મારા માટે પૂરતું છે. અને વાત રહી પ્રેમની તો કોઈના કહેવાથી પ્રેમ ન થાય અને કોઈના પૂછવાથી પણ પ્રેમ ન કરાય. ભવ્યએ કહ્યું કે આ તો તેમને પ્રેમ વિશે નું આખું પ્રકરણ ભણાવી દીધું. મને એમ હતું કે તું ફક્ત વાંચનમાં ધ્યાન આપી રહી છું એટલે પ્રેમ વિશે નું તારુ મન કટાઇ ગયું હશે. નવ્યાએ કહ્યું કે, મને તો કોઈની સાથે પ્રેમ નથી થયો પરંતુ જો તને કોઈની સાથે પ્રેમ થાય તો તું સૌથી પહેલાં મને કહેજે. તારા માટે તે યુવતિ લાયક છે કે નહીં તે હું ચોક્કસ તને જણાવીશ. પછી તો નવ્યા અને ભવ્ય બગીચામાં જ બેસે છે અને પહેલી વખત બંને જાહેરમાં કલાકો સુધી સાથે સમય પસાર કરે છે. આ જોઈને કોલેજના તમામ વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એકબીજાને કહે છે કે આ શું થઈ ગયું છે આ બન્નેને? પુસ્તકીયા કીડા આજે બગીચાના  પતંગિયા બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ કોઇ બન્નેની સામે આવીને પૂછવાની હિંમત નથી કરતા. બીજા દિવસે કોલેજમાં ભવ્ય અને નવ્યા સાથે આવે છે અને લાઇબ્રેરીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ છુપાઈને જોઈ રહ્યા છે કે ભવ્ય અને નવ્યા અભ્યાસ કરી રહ્યા છે કે પછી અભ્યાસના નામે વાતો ! પરંતુ ફરીથી સૌના આશ્ચર્યની વચ્ચે ભવ્ય અને નવ્યા ફક્ત અને ફક્ત અભ્યાસમાં ધ્યાન આપી રહ્યા છે તથા એક પણ વખત એકબીજાની સામું જોતા નથી. બીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થતા બધા જ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ્યા પ્રથમ નંબરે અને ભવ્ય દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ભવ્ય નવ્યાને અભિનંદન પાઠવે છે અને બંને કોલેજની કેન્ટીનમાં નાસ્તો કરવા માટે જાય છે. આ વખતે કોઇ જ ચર્ચા નથી થતી કે તારો પ્રથમ અને મારો દ્વિતીય નંબર આવ્યો. ભવ્ય અને નવ્યા આપણું પ્રથમ અને દ્વિતીય નંબર આવ્યો તેવી વાતચીત કરી રહ્યા છે. ભવ્ય નવ્યાના સરળ સ્વભાવ અને નમ્રતાથી ખૂબ પ્રભાવિત થાય છે જ્યારે નવ્યા પણ ભવ્યના આત્મીયતા પૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થાય છે. બંને એકબીજાને મનોમન પ્રેમ કરવા લાગે છે. પરંતુ ભવ્ય ને નવ્યાની તથા નવ્યાને ભવ્યના અભ્યાસ કરવાની ચિંતા થઈ રહી હોવાથી પ્રેમનો પ્રસ્તાવ  મુકવાનું ટાળી રહ્યા છે. કોલેજમાં એક શ્રેષ્ઠ મિત્ર તરીકે બંને હરહંમેશ સાથે જ રહે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં બંને સાથે મળીને તેનો રસ્તો પણ શોધી કાઢે છે. કોલેજની ચૂંટણી હોય કે પછી એન્યુઅલ ફંકશન તમામ કાર્યક્રમ સર્વ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય અને કોલેજનું નામ યુનિવર્સિટીની શ્રેષ્ઠ કોલેજોમાં આવે તે માટે બંને પ્રયત્નશીલ છે. વ્યક્તિગત હાર-જીતની ચિંતા કર્યા વગર કે પોતાની નામના થાય તેની પરવાહ કર્યા વગર અન્ય વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવ્યાના માર્ગદર્શનથી દિવ્યા વકતૃત્વ સ્પર્ધામાં ભવ્ય ને ધરાવે છે તો બીજી બાજુ ભવ્ય નવ્યાને રમતના મેદાનમાં હરાવવા માટે અનિલને તૈયાર કરે છે. ભવ્ય અને નવ્યા પોતે હારનો સ્વીકાર કરી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી રહ્યા છે અને તેમનામાં પણ ભરપૂર શક્તિ રહેલી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. આમ કરતા કરતા કોલેજનો છેલ્લો દિવસ આવી જાય છે અને હવે ભવ્ય તથા નવ્યા છુટા પડી જશે તેમ લાગી રહ્યું છે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે કોલેજ કેમ્પસમાં ભવ્ય નવ્યા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર નવ્યા ભવ્યના પ્રસ્તાવનો સ્વીકાર કરી લે છે. કોલેજ તો પૂર્ણ થઈ જાય છે પરંતુ ઉત્તમ મિત્રમાંથી ભવ્ય અને નવ્યાને જીવનભરનો સંગાથ મળી જાય છે.



Download Our B K News Today App



Related News