સોનુ સૂદ ઉત્તરાખંડ હોનારતમાં પીડિત પરિવાર માટે દેવદૂત બન્યો, દિવંગત ઇલેક્ટ્રિશિયનની ચાર દીકરીને દત્તક લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-19 14:56:47
  • Views : 431
  • Modified Date : 2021-02-19 14:56:47

કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર સોનુ સૂદ હવે ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં મુશ્કેલીમાં આવી પડેલા પરિવારની મદદે આવ્યો છે. સોનુએ ટિહરી જિલ્લાની દોગી પટ્ટીની નજીક એક પીડિત પરિવારની ચાર દીકરીને દત્તક લીધી છે. હોનારતને કારણે દીકરીઓના પિતાનું મોત થયું હતું. એક્ટરની ટીમે પીડિત પરિવારની મદદ કરી હોવાની વાતની પુષ્ટિ કરી છે.

સાત ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ પૂર આવતાં મોટા પાયે જાનમાલને નુકસાન થયું છે. નદીઓમાં પાણી વધતાં અને કાટમાળને કારણે 204 લોકો લાપતા થયા છે, તેમાંથી મોટા ભાગના લોકો તપોવન વિસ્તારમાં સ્થાપિત ઋષિગંગા તથા વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનામાં કામ કરી રહ્યા હતા. અત્યારસુધીમાં 61 મૃતદેહો મળી આવ્યા છે અને બાકીનાની શોધ ચાલુ છે. આ હોનારતે અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે, આમાંથી જ એક ટિહરી જિલ્લાના દોગી પટ્ટીના લોયલ ગામનો આલમ સિંહ પુંડરીનો પરિવાર છે.

45 વર્ષીય આલમ સિંહ વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. જળ પ્રલયના દિવસે આલમ સિંહ પરિયોજનાની ટનલની અંદર રહીને કામ કરતા હતા. આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ છે, સૌથી મોટી દીકરી આંચલ 14 વર્ષની છે, જ્યારે અંતરા 11ની, કાજલ 8ની તથા અનન્યા માત્ર 2 વર્ષની છે. પતિના મોત બાદ પત્નીને સતત ચાર બાળકોનાં ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. આવા સમયે સોનુ સૂદ દેવદૂત બનીને આ પરિવારની મદદે આવ્યો હતો.

સૂત્રોના મતે, એક્ટર સોનુ સૂદે દિવંગત આલમ સિંહનાં ચાર બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસ તથા લગ્ન સુધીની તમામ જવાબદારી લેવાનું આશ્વાસન આપ્યું છે. મુંબઈસ્થિત એક્ટરની ટીમે ચાર બાળકોને દત્તક લેવાની વાતની પુષ્ટિ કરી હતી. જોકે પરિવારે આ અંગે કંઈ જ કહ્યું નથી. પરિવારની સ્થિતિ જોઈને કેટલીક સામાજિક સંસ્થાઓએ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.સોનુ સૂદે પોતાના જન્મસ્થળ મોગા (પંજાબમાં)થી ઈ-રિક્ષા વહેંચવાની શરૂઆત કરી હતી, જેને કારણે બેરોજગારો આત્મનિર્ભર થઈને પોતાનું ગુજરાન ચલાવી શકે. સોનુ સૂદ પંજાબ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં ઈ-રિક્ષા વહેંચવાનો છે.

એક અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહુ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવી મૂક્યાં હતાં. આ બિલ્ડિંગ જુહુના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલું છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 15 સપ્ટેમ્બરના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો હતો અને 24 નવેમ્બરના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ સંપત્તિ સોનુ સૂદ તથા તેની પત્ની સોનાલીના નામે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રિયલ એસ્ટેટ એક્સપર્ટના મતે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર 12-15 ટકા હોય છે. સામાન્ય રીતે આ લોન 10-15 વર્ષની હોય છે.

સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓડિશા ફ્લાઈટમાં મોકલ્યા હતા.

સોનુ સૂદે મુંબઈમાં હેલ્થવર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યાં હતાં. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીને વારાણસી મોકલ્યા હતા.સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ હાલમાં તે ફિલ્મ ‘કિસાન’ને કારણે ચર્ચામાં છે. એક્ટરની આ ફિલ્મનું ડિરેક્શન ઈ નિવાસ કરશે, જ્યારે પ્રોડ્યુસર રાજ શાંડિલ્ય છે. ઉપરાંત સોનુ સૂદ યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર તથા માનુષી છિલ્લર સાથે જોવા મળશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121