ભાજપના સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરને બ્લડ કેન્સર, ચાર મહિનાથી મુંબઈમાં સારવાર ચાલે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 12:28:59
  • Views : 446
  • Modified Date : 2021-04-01 12:28:59

    ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢના સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક જાતનું બ્લડ કેન્સર) થયું છે. તેઓ છેલ્લાં કેટલાંક મહિનાથી મુંબઈમાં સારવાર કરાવે છે. ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ અરૂણ સૂદે આ અંગેની માહિતી આપી હતી.

    બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરૂણ સૂદે સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.અરૂણ સૂદે કહ્યું હતું, 'ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. અહીંયા તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયા હતા.'

    વધુમાં અરૂણ સૂદે કહ્યું હતું, 'તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે, તેમની તબિયત સુધારા પર છે. તેઓ છેલ્લાં ચાર મહિનાથી કેન્સરની સારવાર લઈ રહ્યા છે. જોકે, હાલમાં તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ નથી, પરંતુ તેમણે સારવાર માટે નિયમિત રીતે હોસ્પિટલ જવું પડે છે.'કિરણ ખેર છેલ્લાં ત્રણેક મહિનાથી ચંદીગઢમાં ના હોવાથી વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા. આ જ કારણોસર ભાજપે કિરણ ખેરની તબિયત અંગે સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

    અરૂણ સૂદે કહ્યું હતું, 'કિરણ ખેર ગયા વર્ષે ડિસેમ્બર સુધી ચંદીગઢમાં હતા. તેઓ સીનિયર સિટિઝન તથા ડાયાબિટીસના દર્દી છે. તેમને કોરોનાકાળમાં ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે માત્ર સારવાર માટે મુંબઈ જવું પડ્યું હતું. બીમાર હોવા છતાંય તેઓ નિયમિત રીતે મારા સંપર્કમાં રહીને શહેરના પ્રશ્નો પર ચર્ચા કરે છે. કોંગ્રેસના નેતાઓને કિરણ ખેરની તબિયત અંગે ખબર હોવા છતાંય તેઓ વારંવાર આ મુદ્દો ઊભો કરે છે.'2014માં કિરણ ખેરે ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલ તથા આમ આદમી પાર્ટીની ઉમેદવાર ગુલ પનાગને પરાજય આપીને ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. 2019માં ફરી એકવાર તેમણે પવન બંસલને પરાજય આપીને બીજીવાર જીત મેળવી હતી.

    કિરણે સૌ પહેલાં ઉદ્યોગપતિ ગૌતમ બેરી સાથે 1979માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને દીકરા સિકંદરને જન્મ આપ્યો હતો. જોકે, થોડાં સમય બાદ કિરણ ખેરને લાગ્યું કે તેઓ ખુશ નથી. તેમણે ગૌતમ બેરીને ડિવોર્સ આપી દીધા. 1985માં કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા.કિરણે 1983માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ 'આસરા પ્યાર દા'થી ફિલ્મમાં એન્ટ્રી લીધી હતી. બોલિવૂડમાં તેમની ડેબ્યૂ ફિલ્મ 1988માં 'પેસ્તોન્જી' આવી હતી. તેમને 1996માં 'સરદારી બેગમ' માટે પહેલી વાર નેશનલ (સ્પેશિયલ જ્યૂરી) ફિલ્મ અવોર્ડ મળ્યો હતો. બંગાળી ફિલ્મ 'બારીવાલ/ધ લેડી ઓફ ધ હાઉસ' (1999) માટે બીજીવાર નેશલ અવોર્ડ મળ્યો હતો. તેમની લોકપ્રિય ફિલ્મમાં 'દેવદાસ', 'વીર ઝારા', 'ઓમ શાંતિ ઓમ', 'ખૂબસૂરત' વગેરે સામેલ છે.

    ગયા વર્ષે રિશી કપૂરનું બ્લડ કેન્સરને કારણે નિધન થયું હતું. સોનાલી બેન્દ્રે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવી હતી અને તે કેન્સર મુક્ત છે. ગયા વર્ષે સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું અને હવે તે કેન્સર ફ્રી છે. મનીષા કોઈરાલા, લિઝા રે, રાકેશ રોશન જેવા સેલેબ્સ કેન્સરને માત આપી ચૂક્યા છે.

    બ્લડના પ્લાઝમા સેલની અંદર રહેલું કેન્સર (મલ્ટીપલ માયલોમા)ના શરૂઆતમાં કોઈ જ લક્ષણો હોતા નથી. જોકે, ધીમે ધીમે દુખાવો, એનિમિયા, કિડની ઈન્ફેક્શન તથા શરીરમાં વિવિધ ઈન્ફેક્શન થતા હોય છે. સામાન્ય રીતે આ કેન્સરની સારવાર શક્ય છે, પરંતુ આ કેન્સર મટતું નથી. સારવારમાં વિવિધ દવાઓ, કિમોથેરપી, ટાર્ગેટેડ થેરપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, રેડિયેશન થેરપી આપવામાં આવે છે. બ્લડ કેન્સરમાં સામાન્ય રીતે કિડની તથા હાડકાઓને નુકસાન થતું હોય છે અને તેને કારણે ફ્રેક્ચર્સ તથા કિડની ફેઈલ્યોર થવાની શક્યતા વધી જાય છે.





Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121