485 કરોડના બિટકોઈન કૌભાંડના મૂળ કેરળ સુધી લંબાયા જાણો વિગત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 13:31:46
  • Views : 485
  • Modified Date : 2019-09-01 13:31:46

કેરળ સુધી લંબાયેલા રૂ. 485 કરોડના એક બિટકોઈન કૌભાંડના મુખ્ય કાવતરાંખોરની તેના જ પાંચ સાથીઓ દ્વારા માર મારીને હત્યા કરાઈ હતી. આ પાંચેય હત્યારાઓની ધરપકડ કરી લેવાઈ છે તેમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ગુરૂવારે અબ્દુલ શાકૂરને એટલો બધો માર માર્યો હતો કે તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ તેઓ શાકૂરની બોડીને એક ખાનગી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં છોડીને ભાગી ગયા હતા. બધા જ હુમલાખોરોની શુક્રવારે ધરપકડ કરી લેવાઈ હતી.

બિટકોઈન કૌભાંડના મૂળ કેરળ સુધી લંબાયા છે. તેનો મુખ્ય કાવતરાંખોર શાકૂર તેમજ તેના સાથીઓ પણ કેરળના જ છે તેમ દહેરાદૂનના એસએસપી અરૂણ મોહન જોશીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શાકૂરના વધુ પાંચ સાથીઓ આશિક, અરશદ, યાસિન, રેહાબ અને મુનીફની શોધ ચાલુ છે.

એસએસપીએ જણાવ્યું હતું કે શાકૂર બિટકોઈનનો કારોબાર ચલાવતો હતો અને તેણે કેરળના પનડિક્કડ, માન્જેરી અને માલાપ્પુરમના નિવાસીઓ પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે કથિતરીતે રૂ. 485 કરોડ એકત્ર કર્યા હતા. શાકૂરને કારોબારમાં નુકસાન થતાં તેની ટીમના સાથીઓ સાથે તેને દુશ્મનાવટ થઈ હતી. 

તેના કારોબારમાં રોકાણ કરનારા લોકો તેની પાછળ પડી જતાં શાકૂર ભાગીને દહેરાદૂન આવી ગયો હતો. તેના સાથીઓએ નાંણાં અંગે પૂછતાં શાકૂરે કથિત રીતે તેમને કહ્યું કે તેનું બિટકોઈન એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

તેની વાતથી સંમત ન થતાં તેના સાથીઓએ તેની હત્યાની યોજના બનાવી હતી. તેઓ દહેરાદૂન આવ્યા હતા, જ્યાં શાકૂર એક ભાડાના મકાનમાં રહેતો હતો. તેમણે શાકૂર પાસે પાસવર્ડ માગ્યો હતો, પરંતુ તેણે ઈનકાર કરતાં તેમણે તેને માર માર્યો હતો.

Download Our B K News Today App



Related News