'બાબા કા ઢાબા'ના માલિકનો વિડિયો ફરી વાઇરલ; રડતાં રડતાં કહ્યું- મારી નાખવાની અને દુકાન સળગાવી દેવાની ધમકીઓ મળે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:28:09
  • Views : 382
  • Modified Date : 2020-12-19 15:28:09

    થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર જબ્બર વાઇરલ થયેલા અને ત્યાર પછી પોતાને જ વાઇરલ કરનારા યુટ્યૂબર સામે પોલીસ ફરિયાદ કરનારા 'બાબા કા ઢાબા'ના વયોવૃદ્ધ માલિક કાન્તા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પોતાનો જીવ બચાવવા રડતાં રડતાં આજીજી કરી છે. ફરીવાર સોશિયલ મીડિયામાં તેમનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમણે પોલીસ ફરિયાદ કરી છે કે તેમને સતત ફોન પર જાનથી મારી નાખવાની અને તેમની નાનકડી દુકાન સળગાવી દેવાની ધમકીઓ મળી રહી છે. અમુક લોકો તેમની દુકાને આવીને પણ ધમકીઓ આપી ગયા છે. બાબાએ સ્વીકાર્યું છે કે આ રાતોરાત નામ અને પ્રસિદ્ધિ મળ્યાં પહેલાં પણ તેમને કોઈની સાથે એવી કોઈ દુશ્મની નહોતી કે જેને માટે તેમને આવી ગંભીર ધમકીઓ મળવા માંડે.આ મામલે તેમણે દિલ્હીના માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે અત્યારસુધી પોલીસે FIR તો નથી નોંધી, પરંતુ ફરિયાદ લઇને પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે.

    અગાઉ તેમણે પોતાને જ ફેમસ કરનારા યુટ્યૂબર ગૌરવ વાસન સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તેમની વહારે આવનારા વકીલ પ્રેમ જોશી આ વખતે પણ તેમની મદદે આવ્યા છે. તેમના આ વકીલનું કહેવું છે કે આ ધમકીઓ પાછળ યુટ્યૂબર ગૌરવ વાસનનો જ હાથ છે. જ્યારે ગૌરવ વાસનનું કહેવું છે કે તેમના પર ફરી એકવાર લાગી રહેલા તમામ આરોપો જૂઠા અને સદંતર પાયાવિહોણા છે. બાબાને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે અને મારા પર જાણીજોઈને ખુન્નસ કાઢી રહ્યું છે.


Download Our B K News Today App



Related News