એકસાથે 30 દેશોના રાજદૂતોની BAPS મંદિરની મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-27 14:59:04
  • Views : 149
  • Modified Date : 2023-05-27 14:59:04

યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના અબુધાબી શહેરમાં બોચાસણવાસી (BAPS) દ્વારા નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરની શુક્રવારે 30થી વધુ દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી. કોઈ ધાર્મિક સ્થળની 30થી વધુ દેશોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હોય એવી વિશ્વના ઈતિહાસની આ સૌપ્રથમ ઘટના હતી. આ અપવાદરૂપ ઘટના ભારત અને યુએઈના એક સમાન દ્રષ્ટિકોણનુ પ્રતિક બની ગઈ હતી. આ ઘટનાએ સહિષ્ણુતા, કોમી સૌહાર્દ અને રાજદ્વારી સંબંધોને પણ પ્રોત્સાહન આપ્યુ હતુ.

અબુધાબીમાં તૈયાર થઈ રહેલા BAPSના ભવ્યાતિભવ્ય મંદિરની જે દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી તેમા ફિલીપાઈન્સ, ઈઝરાયલ, બ્રાઝીલ, બેલ્જીયમ, ન્યુઝીલેન્ડ, કેનેડા, નાઈજીરીયા, સિરિયા, રોમાનિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, ઈન્ડોનેશિયા, માલદીવ્સનો સમાવેશ થાય છે. વિદેશી રાજદૂતો મંદિરની દિવાલો અને વિવિધ સ્તંભો ઉપર કરાયેલા સુંદર કોતરણીકામ અને બાંધકામની ઈકો-ફ્રેન્ડલી પધ્ધતિ અને સ્વયંસેવકોના જુસ્સાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા, અને આ મંદિર ભવિષ્યમાં સમગ્ર મધ્ય-પૂર્વના અખાતી પ્રદેશમાં અને વૈશ્વિક સ્તરે પ્રેમ, કોમી સૌહાર્દ અને શાંતિનો જે સંદેશ ફેલાવશે તેના મ્હોંફાટ વખાણ કર્યા હતા. યુએઈ સ્થિત ભારતના રાજદૂત સંજય સુધીરના આમંત્રણને માન આપીને આ વિદેશી મહાનુભાવોએ મંદિરના નિર્માણ કાર્યની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી આ મંદિરના નિર્માણકાર્યમાં થયેલી પ્રગતિ અને માહિતી સંજય સુધીરે વિદેશી મહેમાનોને આપી હતી. ભારતીય રાજદૂતે આ મંદિરના પ્રોજેકટને ભારત-યુએઈ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક ગણાવ્યો હતો, કેમ કે આ બંને દેશો શાંતિ, સહિષ્ણુતા, કોમી સૌહાર્દ અને સહઅસ્તિત્વના એકસમાન મૂલ્યો ધરાવે છે. આ ઉપરાંત તેમણે અબુધાબી ખાતે વૈવિધ્ય ધરાવતા અને શાંતિપૂર્ણ સમુદાયના નિર્માણ કરવા અંગે યુએઈના નેતાઓની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરનો સંદેશો દર્શાવતા એક વિડીયોને પણ દર્શાવવામાં આવ્યો હતો. આ વીડીયોમાં વિદેશમંત્રી જયશંકરે યુએઈની નેતાગીરીના દીર્ઘદ્રષ્ટિ અને દિશાનિર્દેશની પ્રશંસા કરી હતી અને આ મંદિરના બાંધકામની જાહેરાતને તેમના જીવનની સૌથી રોમાંચક ક્ષણ ગણાવી હતી. તેમણે પોતાના વીડીયોમાં એ બાબતે વિશેષ ભાર મૂકયોહતો કે જયારે બે અલગ અલગ સંસ્કૃતિ એકબીજા સાથે સંપૂર્ણ માન-સન્માન સાથે એકબીજામાં ભળી જાય ત્યારે ખરૂ પરિવર્તન આવ્યુ કહેવાય. આ પ્રસંગે મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર પ્રોજેકટને તેજ ગતિએ આગળ વધારી રહેલા સ્વામી બ્રહ્મવિહારીદાસે વિદેશી મહેમાનોને આ મંદિરની વિવિધ ખાસિયતો અંગેની તમામ વિગતો આપી હતી. સ્વામીજીના કહેવા મુજબ આ મંદિર આર્કિટેકટના મોરચે વિશ્વનુ સર્વશ્રેષ્ઠ બાંધકામ બની રહેશે. આ ઉપરાંત તે શાંતિ, પ્રેમ, સહિષ્ણુતા અને કોમી સૌહાર્દનુ શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે.

વિદેશી રાજદૂતોએ મંદિરના બાંધકામને બારીકાઈથી નિહાળવા એક મીની ટુર કરી હતી જે દરમ્યાન મંદિરના સ્વયંસેવકોએ મંદિરની દિવાલો ઉપર ભારતીય સનાતન ધર્મની વિવિધ ધાર્મિક અને સમાજમાં પ્રવર્તમાન લોકકથાઓ તથા વિશ્વના અન્ય ધર્મોની કથાઓને કોતરવામાં આવશે તે અંગેની માહિતી આપી હતી.મંદિર પરિસરની મુલાકાત દરમ્યાન વિદેશી મહેમાનો વિવિધ સ્તંભો ઉપર હાથ દ્વારા કરવમા આવેલા અતિ સુંદર કોતરણી કામને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મંદિરના અનેક સ્તંભ અને દિવાલો ઉપર ભારત અને યુએઈના સાંસ્કૃતિક વારસાને પણ વણી લેવામાં આવ્યો છે.

મજાની વાત તો એ હતી કે વિદેશી રાજદૂતોએ મંદિરનુ કોતરણી કામ કરનારા શ્રમિકો અને સ્થપતિઓ સાથે પણ વાતચીત કરીને તેમની પાસેથી ભારતીય સ્થાપત્ય કળાને સમજવાનો પ્રયાસ કર્યો હતો, તદુપરાંત તેઓએ આ મંદિરનુ નિર્માણકાર્ય પૂર્ણ થાય ત્યારે મંદિરની ફરીથી મુલાકાત લેવાની આશા પણ વ્યકત કરી હતી. મંદિરના સતાવાર ટિવટર એકાઉન્ટ અનુસાર રાજદ્વારીઓ મંદિરની કોતરણી અને સ્થાપત્યની કારીગરી અને સંદેશથી આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા.55000 ચોરસ મીટર જમીન પર BAPS દ્વારા ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે.

તેનુ માળખુ મંદિરોના ભારતીય કારીગરો દ્વારા તૈયાર કરાયુ છે અને તેને યુએઈમાં એસેમ્બલ કરાયુ છે. ગયા વર્ષે ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે મંદિર સાઈટની મુલાકાત લીધી હતી અને તેને ‘શાંતિ, સહિષ્ણુતા અને સૌહાર્દનુ પ્રતિક’ તરીકે ગણાવ્યુ હતુ.

વિદેશી રાજદૂતોને સંબોધતા સંજય સુધીરે વેપાર, સંસ્કૃતિ અને ઈતિહાસમાં ઉંડા મૂળીયા ધરાવતા ભારત અને યુએઈના સંબંધો ઉપર વિશેષ પ્રકાશ પાડયો હતો. યુએઈમાં હિંદુ સંપ્રદાયના મંદિરના નિર્માણ માટે અનુમતિ આપવા બદલ તેમણે યુએઈના નેતાઓની ઉદારતા અને સહિષ્ણુતાની ભારોભાર પ્રશંસા કરી હતી અને પોતાનો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ મંદિર યુએઈમાં વસતા ભારતીય સમુદાયની અને વિશેષ કરીને મંદિરના સંતો, મહંતો અને BAPS ના સ્વયંસેવકોની સામુહિક આકાંક્ષાઓનુ પ્રતિનિધિત્વ કરશે.

Download Our B K News Today App



Related News