દિલ્હીની આગમાં 27 લોકોનાં મોત : CM કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી, મૃતકના પરિવારને 10 લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 14:04:14
  • Views : 272
  • Modified Date : 2022-05-14 14:04:14

દિલ્હીની આગમાં 27 લોકોનાં મોત : CM કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી, મૃતકના પરિવારને 10 લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

 

દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

 

150 લોકોને બચાવાયા, 19 લાપતા; બિલ્ડિંગના માલિકની અટકાયત; NDRFની પણ મદદ લેવાઈ
દિલ્હીમાં શુક્રવારે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ફાયર સ્ટાફના બે કર્મચારીનો પણ સમાવેશ થાય છે. 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, 19 લોકો હજુ લાપતા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી લીધી છે.

આગ લાગવાની જાણ શુક્રવાર સાંજે 4.40 વાગ્યે મળી હતી. સાત કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે રાતના 12 વાગ્યે ફરી આગ લાગી હતી, જેને ત્યાં હાજર ફાયર સ્ટાફે કાબૂ કરી લીધી હતી. રેસ્ક્યૂ ટીમે બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બચાવ્યા હતા. રાત્રે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

 

150 લોકોને રેસ્ક્યૂ કરાયા
જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં ઘણી કંપનીની ઓફિસો હતી. અહીં લગભગ 150 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. 100 લોકોની ટીમને તહેનાત કરાઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો, જેનાથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. DM ઓફિસે હેલ્પનાઈન નંબર 011-25195529, 011-25100093 બહાર પાડ્યો હતો.

મૃત્યુઆંક વધી શકે છે
બપોરે લગભગ 1 વાગ્યે આઉટર દિલ્હીના ડીસીપી સમીર શર્માએ કહ્યું, 'બિલ્ડિંગમાં બચાવકાર્ય હજુ પૂર્ણ થયું નથી. કદાચ અહીં કેટલાક વધુ મૃતદેહો મળી શકે છે. અત્યારસુધી જે મૃતદેહો મળ્યા છે એ એવી હાલતમાં હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, જેથી પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લેશે. ગુમ થયેલા લોકો સાથે તેમનાં સેમ્પલની તપાસ કરાશે, જેથી મૃતકોની ઓળખ થઈ શકે. ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે.

 

બિલ્ડિંગના માલિકની અટકાયત
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544 પાસે બનેલી આ ઈમારત 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવી છે. આ બિલ્ડિંગની ફાયર એનઓસી ન હતી. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ, વરુણ ગોયલને કસ્ટડીમાં લીધા છે.

CCTV ગોડાઉનમાં શોર્ટસર્કિટથી આગ
બિલ્ડિંગના પહેલા માળે CCTV ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા. ઈમારતમાં પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ સરખો ન હોવાથી બચાવ કામગીરી જલદી શરૂ થઈ શકી નથી. જગ્યા ખૂબ જ ગીચ હોવાને કારણે બચાવ ઓપરેશનમાં મોટી મુશ્કેલીઓ પડી રહી હતી.

 

 

 

Download Our B K News Today App



Related News