અજાણ્યા શખ્સોએ યુવાનનું મુંડન કરી માર મારી હત્યા કરી મસ્જીદ સામે ફેંકી દીધો, આંખ પર નેણના વાળ પણ કાપી નાખ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 16:06:35
  • Views : 2384
  • Modified Date : 2020-02-27 16:06:35

અમરેલીમાં ગત મોડીરાત્રે મૂળ પોરબંદર પંથકમાં અને હાલમાં રાજકોટમાં રહેતા 27 વર્ષીય યુવક મયુર સાકરીયા અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. કોઇ અકળ કારણોસર હત્યારાઓએ આ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું અને ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ હાલતમાં જુમ્મા મસ્જીદ સામે ફેંકી દીધો હતો. આ યુવકને અમરેલી સિવિલમાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. યુવકની ઘાતકી હત્યાની આ ઘટના અમરેલીમાં ઠેબી નદીના કાંઠા નજીક જુમ્મા મસ્જીદ સામે મધરાત્રે બે વાગ્યાના સુમારે બની હતી. અહીં કોઇ અજાણ્યો યુવાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યો હોવાની જાણ થતા 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તાબડતોબ આ ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં લવાયા બાદ આ યુવાન પોતે પોરબંદરનો હોવાનું જણાવ્યુ હતું. જો કે માત્ર આટલુ બોલ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. તેની સ્થિતિ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. હત્યારાઓએ આ યુવકના શરીર પર બેફામ આડેધડ માર માર્યો હતો. જેના કારણે આખા શરીર પર ચાંભા પડી ગયા હતાં. તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે જીવલેણ નિવડી હતી. યુવકને બેરહેમીથી માર મારવા ઉપરાંત તેના માથાના વાળ કાપી નાખી ટકલો  કરી દેવાયો હતો. આ યુવકને કોઇ અન્ય સ્થળે બેરહેમીથી માર મારી મસ્જીદ સામે નાખી જવાયો હતો. બનાવને પગલે અમરેલી સિટી PSI મકવાણા રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતાં. જ્યાં મૃતક મયુરના ભાઇ દક્ષીત સાકરીયાએ પોતાના ભાઇની હત્યા કરવા અજાણ્યા શખ્સો સામે ફરીયાદ આપી હતી. મુળ પોરબંદરનો મયુર હાલમાં રાજકોટ રહેતો હતો અને તે ગઇરાત્રે અમરેલી શા માટે આવ્યો હતો તેની તેના પરિવારને પણ જાણ ન હતી. બનાવને પગલે સીટી પોલીસની ટીમ ફરીયાદ લેવા રાજકોટ દોડી ગઇ હતી અને મૃતક યુવકના ભાઇ દિક્ષીત સાકરીયાની ફરિયાદ પરથી મોડી રાત્રે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. મૃતક મયુરને અનહદ માર મારવા ઉપરાંત હત્યારાઓએ માત્ર તેના માથાના વાળ જ નહી પરંતુ આંખ પરના નેણના વાળ પણ કાપી નાખ્યા હતાં. આ યુવાન પડછંદ કાયા ધરાવતો હોય એકથી વધુ લોકોનું કૃત્ય હોવાનું મનાઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News