યોગીનો શપથગ્રહણ સમારોહ : બે કલાક સુધી મંદિરોમાં ઘંટ વાગશે-આરતી થશે, આખા રાજ્યમાં હોર્ડિંગ્સ-બેનર્સ લગાવાશે, કોઈ કચાશ ના રહે એનો હેડક્વાર્ટરથી આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:43:32
  • Views : 232
  • Modified Date : 2022-03-22 11:43:32

યોગીનો શપથગ્રહણ સમારોહ : બે કલાક સુધી મંદિરોમાં ઘંટ વાગશે-આરતી થશે, આખા રાજ્યમાં હોર્ડિંગ્સ-બેનર્સ લગાવાશે, કોઈ કચાશ ના રહે એનો હેડક્વાર્ટરથી આદેશ

 

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ 25 માર્ચે યોજાવાનો છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ એવી છે, જેમાં શપથગ્રહણવાળા દિવસે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામમાં મંદિરોના ઘંટ વગાડવામાં આવશે, આરતી કરાશે અને લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાશે. આટલું જ નહીં, ઉત્તરપ્રદેશના દરેક મઠ-મંદિરથી સાધુ-સંતોને શપથગ્રહણ માટે લખનઉ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પાર્ટી તરફથી એવો આદેશ આપવામાં આવ્યો છે કે દરેક કાર્યકર્તા તેમની ગાડી પર પાર્ટીનો ઝંડો લગાવીને આવશે. ભારતીય જનતા પાર્ટી શપથગ્રહણ સમારોહને એક ભવ્ય ઐતિહાસિક સમારોહ બનાવવાની તૈયારી કરી રહી છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે લખનઉમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યના દરેક જિલ્લા, મંડળ અને શક્તિ કેન્દ્રના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. એ માટે જિલ્લા-અધ્યક્ષોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ યાદી બનાવીને હેડક્વાર્ટર પર મોકલી આપે, જેથી એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરી શકાય. ભાજપના આદેશ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે દિવસે શપથગ્રહણ સમારોહ કાર્યક્રમ થશે એ દિવસે સવારે આઠથી દસ વાગ્યા સુધી રાજ્યના દરેક કેન્દ્ર સ્તરના કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં મંદિરોમાં લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાવશે. ભાજપ-પ્રવક્તા રાકેશ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, ભારતીય હિન્દુ પરંપરામાં કોઈપણ સારા કામની શરૂઆત પૂજા-અર્ચનાથી થાય છે.

શપથગ્રહણ સમારોહની ભવ્યતાનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે પક્ષ તરફથી જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશ પ્રમાણે ઉત્તરપ્રદેશના દરેક વિસ્તારના કાર્યકર્તાઓને એક દિવસ પહેલાં એટલે કે 24 માર્ચે લખનઉ બોલાવી લેવામાં આવ્યા છે. પાર્ટીએ આદેશ આપ્યો છે કે લખનઉ આવનારા દરેક કાર્યકર્તા જે પોતાનાં વાહનોથી આવે છે તેઓ તેમની ગાડી પર પાર્ટીનો ઝંડો લગાવીને આવે. આ સિવાય આખા ઉત્તરપ્રદેશમાં દરેક જિલ્લાના મુખ્ય ચાર રસ્તા, બજારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવે અને એને સરસ રીતે શણગારવામાં આવે.

BJPના એક મુખ્ય નેતાએ કહ્યું હતું કે યોગી સરકારના બીજા કાર્યકાળ અને તેમના શપથગ્રહણ સમારોહની તૈયારીમાં કોઈ કમી ના રહેવી જોઈએ. આ જ કારણ છે કે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામડાંના મુખ્ય ચાર રસ્તાઓ પર હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવી રહ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓએ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

Download Our B K News Today App



Related News