2002ની વિધાનસભાની ચૂંટણીમાં નરેશ કનોડિયા MLA બન્યા, ત્યારે કરજણ બેઠક પર પહેલીવાર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 13:24:38
  • Views : 559
  • Modified Date : 2020-10-27 13:24:38

              ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર હાલ પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા નરેશ કનોડિયાનું નિધન થયું છે. આ એક સંયોગ જ છે કે, કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, તેના એક અઠવાડિયા પહેલા જ કરજણ બેઠક પર ભાજપને પ્રથમ વિજય અપાવનાર નરેશ કનોડિયાએ આજે દુનિયાને અલવિદા કરી દીધી છે.ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા નરેશ કનોડિયાનું જીવ યુવાઓ માટે પ્રેરણારૂપ છે. નરેશ કનોડિયા મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામમાં 20 ઓગસ્ટ 1943ના રોજ જન્મ્યા હતા અને ફિલ્મી કારકિર્દી દરમિયાન જ તેઓએ 1990માં રાજકરાણમાં એન્ટ્રી કરી હતી અને ભાજપમાં જોડાયા હતા. 2002માં ભાજપે તેમને કરજણ બેઠક પરથી ટિકિટ આપતા તેઓ ચૂંટણી જીત્યા હતા. 1995 અને 1998માં કરજણ બેઠક પર ભાજપ ચૂંટણી હારી ગયું હતું. જોકે 2002માં ભાજપે નરેશ કનોડિયાને ટિકિટ આપી હતી અને ભાજપ આ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું.વર્ષ-2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાઇલાલ બેચરભાઇ વૈષ્ણવ સામે ભાજપમાંથી નરેશ કનોડિયા ચૂંટણી લડ્યા હતા અને તેઓ 28171 મતથી જીત્યા હતા. ત્યારબાદ 2007ની ચૂંટણીમાં નરેશ કનોડિયા કોંગ્રેસના ચંદુભાઇ ડાભી સામે 2286 મતથી હારી ગયા હતા.20 ઓક્ટોબરે નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રવિવારે મોટાભાઇ મહેશ કનોડિયાનું નિધન થયું હતું અને આજે મંગળવારે નાનાભાઇ નરેશ કનોડિયાનું નિધન થયું છે.      

Download Our B K News Today App



Related News