ધાનેરાના સામરવાડા ગામે રસ્તો રીપેર નહીં કરાતાં ગામલોકો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 13:47:47
  • Views : 436
  • Modified Date : 2020-08-07 13:47:47

   ધાનેરા તાલુકાના સામરવાડાથી ફતેપુરા અને ફતેપુરાથી ધાનેરાને જોડતો માર્ગ ભારે વાહનો ચાલવાથી તૂટી જતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો રીપેર ન થતાં ગુરુવારે સ્થાનિક લોકો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યુ હતું. તે બાદ સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો રીપેર કરવાનું આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો. ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.જેને લઈ થોડા માસ અગાઉ બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા ભારે વાહનો માટે ડીસાથી થરાદ અને થરાદથી સાંચોર માટે ડાયવર્ઝન આપ્યું હતું અને નાના વાહનો માટે સામરવાડાથી ફતેપુરા અને ફતેપુરાથી ધાનેરા માટેનું ડાયવર્ઝન આપ્યું હતું. પરંતુ આજ રસ્તા પર ભારે અને લોડિંગ વાહનો ચાલવાથી ગ્રામીણ વિસ્તારનો રસ્તો તૂટી જવા પામ્યો હતો. આ રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા હતા. ત્યારે આ રસ્તેથી નાના વાહન ચાલકોને તેમજ સ્થાનિક લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. જેને સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગુરુવારે સામરવાડા ગામના લોકો રસ્તા પર બેસી ગયા હતા અને ત્યાંથી પસાર થતા તમામ મોટા વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો.સ્થાનિક લોકો રસ્તા પર બેસીને ટ્રાફિકજામ કરતાં ધાનેરા પોલીસ સહીત અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ ધાનેરાની મામલતદાર કચેરીએ આવી સમગ્ર બાબતની રજૂઆત કરી હતી. તે બાદ ધાનેરાના મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો રીપેર કરવાનું આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો. રસ્તાઓનું રીપેરીંગ કામ નહીં થાય તો આવનારા સમયમાં અમે ફરીથી ઉગ્ર આંદોલન કરીશું તેવી સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News