કોંગ્રેસે પુછ્યું ગુજરાતમાં અશાંતધારો શા માટે?, ભાજપે કહ્યુ- લવ જેહાદના નામે વેશ્યાવૃત્તિનો કારસો છે, માટે અશાંતધારો યોગ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 11:54:50
  • Views : 452
  • Modified Date : 2020-03-13 11:54:50

રાજ્યમાં અશાંત ધારો દૂર કરવાની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કર્યું હતું. ખેડાવાલાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાજપ સરકાર કાશ્મીરમાં 370ની કલમ દૂર કરીને અન્ય લોકોને પણ મિલકત ખરીદવાની મંજૂરી આપી છે તો ગુજરાતમાં અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. બીજીતરફ ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કહ્યું હતું કે, આસપાસમાં રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારોમાં લવ જેહાદના નામે લગ્ન થયા બાદ યુવતીઓ રીતસર પ્રોસ્ટીટ્યૂશનમાં ધકેલાઇ જતી હોવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે. જેથી અશાંત ધારો યોગ્ય છે. મહેસૂલમંત્રી કૌશિક પટેલે જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં 1991થી આ કાયદો અમલમાં છે અને તે વખતના કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કાયદો અમલી બનાવ્યો હતો. પણ તે વખતે તેનો યોગ્ય અમલ થયો ન હતો. હવે અમારી સરકારે આ કાયદાનો સખ્તાઇથી અમલ કર્યો છે. સુલેહ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી અશાંત ધારાનો વ્યાપ વધારાયો છે. રાજ્યમાં આવા વિસ્તારોમાં મિલકત તબદીલીની 89 હજાર અરજીઓ કલેક્ટરોને મળી છે જેમાંથી 82 હજારનો નિકાલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂ કરેલું પ્રાઇવેટ બિલ પરત નહીં ખેંચતા આખરે ભાજપે બહુમતીના આધારે આ બિલ રદ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં કોમી તોફાનો થતા નથી અને શાંતિનો ભાજપ દાવો કરે છે. ખરેખર કોમી તોફાનો બંધ થઇ ગયા હોય તો નવા વિસ્તારો કેમ અશાંત જાહેર કરાયા? ચાલુ વર્ષે અમદાવાદના વધુ વિસ્તારો ડિસ્ટર્બ એરિયા જાહેર થતાં સરકારનો દાવો પોકળ પુરવાર થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, બીએપીએસમાંથી મને કહેવડાવ્યું કે, પ્રમુખ સ્વામીએ જયાં દીક્ષા લીધી હતી તે શાહપુરની આંબલીવાળી પોળમાં મુસ્લિમોએ બે મકાન લીધા. મેં આ સોદો કેન્સલ કરાવ્યો. અમારા વિસ્તારમાં શાંતિ જળવાય તેવા પ્રયાસ અમે કરીએ છીએ,અશાંત ધારો વધારે પડતું છે. ભાજપના દુષ્યંત પટેલે કહ્યું, એક જ વિસ્તારમાં બે ધર્મના લોકો રહેતા હોય છે ત્યારે બકરાની કતલ થવાને કારણે દિવસો સુધી ગલીઓમાં અને ગટરોમાં લોહી વહેતું રહે છે. દોઢસો કિલો હાડકા- ચામડા ટ્રકમાં ભરીને લઇ જવાય છે. એ વિસ્તારના બાળકો- મહિલાઓમાં કેટલી અરેરાટી ફેલાતી હશે તે વિચારવું જોઇએ.

Download Our B K News Today App



Related News