1 કરોડનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા દુકાનની હરાજી : કોઈ ખરીદવા ન આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:13:18
  • Views : 419
  • Modified Date : 2019-12-21 18:13:18

અમદાવાદ મ્યુનિ.નો ટેક્સ વિભાગ પ્રોપર્ટી ટેક્સની ચડી ગયેલી મોટી રકમની વસુલાત થતી ના હોય ત્યારે મિલકતની જાહેર હરાજી કરવા જાહેરાત કરવામાં આવે છે. જો કે, છેલ્લા બે વર્ષમાં આ પ્રકારની મિલકત ખરીદવા કોઈ આગળ નહીં આવતું હોવાથી છેવટે તે મ્યુનિ. કોર્પોરેશન રૂા. 1ના ટોકનથી ખરીદીને મ્યુનિ. ચોપડે ચડાવી દે છે. આજે ચીનુભાઈ સેન્ટરમાં હરાજીમાં મુકેલી દુકાન ખરીદવા કોઈ આગળ ન આવત હરાજી ફેઇલ ગઈ છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આશ્રમરોડ પર આવેલ ચીનુભાઈ સેન્ટરની સ્ટર્લિંગ સિક્યુરિટીની દુકાન પર રૂા. 1,00,43,858ની ટેક્સની બાકી રકમ ચડી ગઈ હતી. આ અંગે ટાંચ વોરંટ કાઢીને આગળની કાર્યવાહી કરવા છતાં કોઈ ટેક્સ ભરવા આવ્યું ના હતુ.આ અંગે હરાજી માટે તળિયાની કિંમત રૂા. 1.10 કરોડ રાખવામાં આવીહતી. એક બિડરે 35 લાખની રકમ ભરી હતી, જે તળિયાની કિંમત કરતા ઓછી હોવાથી બિડ કેન્સલ થયું હતું. બાદમાં આજે હરાજીના સમયે કોઈ આગળ નહીં આવતા મિલ્કત જપ્ત કરીને મિલ્કતનો કબ્જો પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને સોંપવામાં આવ્યો છે.ઉપરાંત આવતીકાલ તા. 21મીએ ન્યુ રાણીપમાં આવેલ શ્રી બાલાક કટર નામની પ્રોપર્ટીની હરાજી નક્કી કરવામાં આવી હતી પરંતુ તેના બાકી ટેક્સની રકમ રૂા. 18,14,662 આજે મિલકતના માલિક દ્વારા ચુકવાઈ જતા હરાજી રદ કરવામાં આવેલ છે. જ્યારે તા. 23મીએ સરદારનગરમાં આવેલ સીતારામ ફાર્મના 1.59 કરોડ ટેક્સના બાકી હોવાથી તેની હરાજી થનાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 10, કે.બી.કોમર્શિયલ સેન્ટર અને ગુજરાત જીનીંગ મીલની મિલકતની બાકી ટેક્સ સાથે જાહેર હરાજીની જાહેરાત કરાઈ હતી પણ કોઈ ખરીદનાર નહિ મળતા આ બંને મિલકતો પણ મ્યુનિ.ના ચોપડે ચડાવવી પડી હતી.બીજી તરફ મ્યુનિ.ના ટેક્સ ખાતામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફાલ્યોફૂલ્યો છે આટલી મોટી રકમ ચડી જાય ત્યાં સુધી, વર્ષોનો સમયગાળો પસાર થઈ જવા સુધી ટેકસ ખાતુ ચૂપ કેમ બેસી રહે છે, તે મોટો પ્રશ્ન છે. ખરેખર તો ટેક્સ ખાતામાં નામ ટ્રાન્સફર, વાંધા અરજીનો નિકાલ, બિલની વિસંગતતામાં સુધારો વગેરે કામો માટે લોકોને ધક્કા ખાવા પડે છે. ખાલી બંધના લાભ અંગે પણ ભારોભાર અસંતોષ ઉભો થયો છે.બીજી તરફ કોમર્શિયલ મિલકતમાં ભાડુઆત હોય ને સેલ્ફનું બિલ, આકારણીના રજીસ્ટર અને ટેક્સના બિલમાં દર્શાવેલ મિલકતના માપમાં તફાવત, આકારણીમાં એકાદ ફ્લોર જ ગણતરીમાં ના લેવો વગેરે ગેરરીતિ આચરવા મોટી રકમના હપ્તા લેવાતા હોવાનું કહેવાય છે. આવી સંખ્યાબંધ ગેરરીતિઓ તમામ ઝોનમાં ચાલી રહી હોવાનું, મિલકતોની યાદી સાથે ચીફ ઓડિટરના ગયા વર્ષમાં અહેવાલમાં નોંધાયેલું છે.

Download Our B K News Today App



Related News