પાલનપુરમાં ટયુશન કલાસ ચાલુ કરાવવા છાત્રોની ધારાસભ્ય- કલેકટરને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:34:16
  • Views : 494
  • Modified Date : 2019-06-01 12:34:16

બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા સુરતની ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ફાયર સેફટીના મુદ્દે તમામ પ્રકારના કલાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યાં જિલ્લા મથક પાલનપુર ખાતે કેટલાક ટયુશન કલાસના સંચાલકોએ કલાસ ચાલું કરાવવા માટે તંત્ર સામે મોરચો માંડ્‌યો છે. જે અંતર્ગત શુક્રવારે વિધાર્થીઓને ટયુશન કલાસ ચાલુ કરાવવા માટે પાલનપુર ધારાસભ્ય  તેમજ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. અને જો નિર્ણય લેવામાં નહી આવે તો ઉપવાસ આદરવાની ચિમકી ઉચ્ચારી હતી.સુરતમાં તાજેતરમાં એક બહુમાળી બિલ્ડીંગના ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. જેથી વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્‌ટીને ધ્યાને લઈ રાજ્યમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસોને બંધ કરવાની સુચના આપી બંધ કરાવવામાં આવ્યા છે. જેની અસર બનાસકાંઠામાં પણ પડી હતી. અને બનાસકાંઠામાં વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા હતા. જેના પગલે આગામી દિવસોમાં આવી રહેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હોઇ કેટલાક ટયુશન કલાસના સંચાલકોએ ટયુશન કલાસ ચાલુ કરાવવા માટે તંત્ર સામે મોરચો માંડયો છે. જે અંતર્ગત શુક્રવારે વિદ્યાર્થીઓ પાલનપુર કલેક્ટર કચેરી ઘસી આવ્યા હતા. અને પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ક્લાસીસ ચાલુ કરવાની માંગ કરી હતી. તેમ છતા જો ક્લાસીસ ચાલુ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી હતી.


Download Our B K News Today App



Related News